જખૌ બંદરે પાણી યોજના નિષ્ફળ નથી પણ મત્સ્યોદ્યોગ ખાતું નિષ્ફળ છે

ભુજ, તા.16 : 13 કરોડના ખર્ચે ચાર વર્ષ પૂર્વે પૂર્ણ થયેલી જખૌ બંદરની પાણી યોજના વસાહત માટે નિષ્ફળ વિષયે પ્રસિદ્ધ થયેલા સમાચારને નખત્રાણાના જાહેર આરોગ્ય બાંધકામ વિભાગના કાર્યપાલક ઈજનેરે રદિયો આપ્યો હતો.કા. પા. ઈજનેરે સ્પષ્ટતા કરતાં જણાવ્યું હતું કે, અબડાસા તાલુકાના જખૌ બંદરે ગુજરાત પાણી પુરવઠા અને ગટર વ્યવસ્થા બોર્ડ દ્વારા વર્ક તરીકે મત્સ્યોદ્યોગ કચેરી માટે પાણી પુરવઠા યોજનાનું કામ વર્ષ 2016માં પૂર્ણ કર્યું છે, જેની મરામત અને નિભાવણી ઉપરાંત યોજનાનો હવાલો સંભાળવાની જવાબદારી મત્સ્યોદ્યોગ ખાતા દ્વારા કરવાની થાય છે, પરંતુ યોજનામાં ઉંચી ટાંકીથી ફિશરીઝ ટર્મિનલ ડીવીઝન સુધી પાઈપલાઈન નાખવાની કામગીરી બાકી હોઈ આ યોજનાનો હવાલો ન સંભાળતા પાણી પુરવઠા બોર્ડ દ્વારા મરંમત અને નિભાવ કરાતો હતો. ત્યારબાદ એપ્રિલ-2018થી નવ મહિના માટે ટેન્ડર પ્રક્રિયા કરી એજન્સીને કામ સોંપવામાં આવેલું તે દરમ્યાન ઉંચી ટાંકીથી એફટીડી સુધી પાઈપલાઈન લંબાવવાનું કામ તથા ચાર નળવાળા ચાર સ્ટેન્ડપોસ્ટ અને જેટી સુધી બોટમાં પાણી ભરવા માટેના ચાર ફિલીંગ પોઈન્ટ લંબાવવાની કામગીરી ઓક્ટોબર 18માં પૂર્ણ કરી હવાલો સંભાળી લેવા જાણ કરાતાં મદદનીશ મત્સ્યોદ્યોગ નિયામક ભુજ દ્વારા મત્સ્યોદ્યોગ કમિશ્નર ગાંધીનગરને વારંવાર હવાલો સંભાળી લેવા અથવા યોજનાની મરામત અને નિભાવણી તથા પાણી વિતરણ વ્યવસ્થા ખાતા પાસે ટેકનિકલ સ્ટાફ ન હોઈ પાણી પુરવઠા વિભાગ દ્વારા કરાવવા માર્ગદર્શન આપવા જણવેલું, પરંતુ સદર હજુ સુધી કોઈ નિર્ણય મત્સ્યોદ્યોગ કમિશનર અને વિભાગ દ્વારા લેવાયો નથી, જેથી તેમની કચેરી દ્વારા ના છૂટકે એકતરફી હવાલો સોંપવામાં આવ્યો છે.  

© 2020 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer