મૃતકની ઓળખ ન થતાં લીફરી સીમમાં સળગેલા મળેલા યુવાનનો રાઝ અકબંધ

ભુજ, તા. 16 : ભડથું થઇ જવા સાથેની સળગેલી હાલતમાં અજાણ્યા યુવાનનો મૃતદેહ મળવાના લીફરી (લખપત) સીમાડાના મામલામાં હજુ સુધી મરનારની ઓળખ ન થવાથી પ્રકરણનો રાઝ હજુ રાઝ જ રહ્યો છે. મૃતકના દેહને પોસ્ટમોર્ટમ માટે જામનગર મોકલાયો છે. તો કેસની છાનબીનમાં ઉચ્ચ પોલીસ અધિકારીઓ સાથે પોલીસદળની સ્થાનિક ગુનાશોધક શાખા પણ સામેલ થઇ હતી. આ બાબતે દયાપર પોલીસ મથકનો સંપર્ક કરતાં સત્તાવાર સાધનોએ જણાવ્યું હતું કે મૃતકની ઓળખ આજે સાંજ સુધીમાં હજુ ન થઇ શકી હોવાથી કેસને સંલગ્ન આગળની તમામ કડીઓ મળતી અટવાઇ ગઇ છે. અલબત સુરાગ મેળવવા માટે ચોમેર તલસ્પર્શી તપાસ અવિરત રખાઇ છે. સબ ઇન્સ્પેકટર શ્રી સોઢા સાથે સ્ટાફના સભ્યો આ માટે પ્રવૃત રહ્યા છે. દરમ્યાન ભડથું થયેલી હાલતમાં મળેલા મરનારનું સ્થાનિકે પોસ્ટમોર્ટમ શકય ન હોવાથી આ માટે લાશને પોલીસ દ્વારા જામનગર ખાતે મોકલાઇ છે. જયાંથી અહેવાલ આવ્યા બાદ સ્પષ્ટ થશે કે આ ઘટના હત્યા છે કે અન્ય કાંઇ. ભારે ભેદ સર્જનારા આ કિસ્સાનો તાગ મેળવવા માટે પોલીસબેડું દોડધામમાં હજુ પરોવાયેલું રહ્યું છે. નાયબ પોલીસ અધીક્ષક સહિતના ઉચ્ચ અધિકારીઓ ઉપરાંત જિલ્લા ગુનાશોધક શાખાની ટુકડી પણ આજે દયાપર વિસ્તારમાં ધસી જઇને તપાસમાં જોડાઇ હતી.  

© 2020 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer