ખેડોઇના રહેણાકના મકાન મામલે કરાયેલો દાવો અદાલત દ્વારા રદ

ભુજ, તા. 16 : અંજાર તાલુકાના ખેડોઇ ગામે આવેલા રહેણાકના મકાનના મામલે ખોટા સુખાધિકાર બાબતે કરાયેલો દાવો કોર્ટ દ્વારા રદ કરતો આદેશ થયો હતો. જયારે માંડવી તાલુકાના ચાંગડાઇ ગામે આવેલી ખેતીની જમીન અંગે કરાયેલો વાદીનો દાવો મંજૂર કરીને થયેલા દસ્તાવેજને રદ કરતો આદેશ કરવામાં આવ્યો હતો.ખેડોઇ ગામના રહેણાકના મકાન બાબતે મહેન્દ્ર રામજી રાજગોર દ્વારા આદમ રમજુ ચાવડા વિરુદ્ધ ખોટા સુખાધિકાર મામલે દાવો કરાયો હતો. અંજારના અધિક સિનિયર સિવિલ જજ શ્રી ચૌધરી સમક્ષ આ વિશેની સુનાવણી થઇ હતી. તેમણે બન્ને પક્ષને સાંભળવા સાથે આધાર-પુરાવા તપાસી દાવો રદ કરતો ચુકાદો આપ્યો હતો. આ કેસમાં શ્રી ચાવડાના વકીલ તરીકે પ્રવીણકુમાર આર. પ્રજાપતિ રહ્યા હતા. જ્યારે ચાંગડાઇ ગામે ખેતીની જમીનના દસ્તાવેજ વિશે ઊભા થયેલા કાનૂની વિવાદમાં સિનિયર સિવિલ જજની અદાલતના ન્યાયાધીશ એન.જી. પરમારે વાદીનો દાવો મંજૂર કર્યો હતો. ન્યાયાધીશે આ ચુકાદામાં એવી ટિપ્પણી કરી હતી કે જનરલ પાવરનામું એવા શબ્દો લખી દેવાથી અને તેવા પાવરનામાના આધારે મિલ્કતોનું થયેલું વેચાણ કાયદેસરનું ગણાય નહીં. કોર્ટએ આ દાવો મંજૂર કરવા સાથે થયેલા દસ્તાવેજ રદબાતલ કરવાનો આદેશ કર્યો હતો. આ કેસમાં દાવો કરનારા પદમશી પ્રેમજી શાહ અને હીરાલાલ પ્રેમજી શાહના વકીલ તરીકે દેવાયત એન.બારોટ સાથે ખીમરાજ ગઢવી, ઉમૈર સુમરા, ચન્દ્રેશ ગોહિલ, રામ ગઢવી અને રાજેશ ગઢવી રહ્યા હતા. - ફોરમનો ગ્રાહક તરફે ચુકાદો  : ગાંધીધામના અભિષેક ફુલચંદ દરકની કારને હળવદ પાસે અકસ્માત નડવાના કેસમાં કચ્છ જિલ્લા ગ્રાહક તકરાર નિવારણ ફોરમ દ્વારા તેમના તરફે ચુકાદો આપી વીમા કંપની મેગ્મા એચ.ડી.આઇ. જનરલ ઇન્સ્યુરન્સ ગ્રાહકને વળતરની રકમ વ્યાજ અને અરજી ખર્ચ સાથે ચૂકવે તેવો આદેશ કર્યો હતો. અકસ્માતની તારીખો જુદી જુદી બતાવાઇ હોવાનું કારણ આગળ ધરીને વળતર માટે ના પડાતાં આ કેસ ફોરમ સમક્ષ લઇ જવાયો હતો. જેમાં ગ્રાહક શ્રી દરક તરફી આ ચુકાદો અપાયો હતો. આ કેસમાં ગ્રાહકના વકીલ તરીકે અંજારના અનિલ કે. બાંભણિયા રહ્યા હતા.  

© 2020 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer