ભચાઉ તાલુકામાં માવઠાથી પાક નામશેષ

કમલેશ ઠક્કર દ્વારા-  ભચાઉ, તા. 16 : સાંજે પાંચેક વાગ્યાના અરસામાં અચાનક ગાજવીજ સાથે કરાનો વરસાદ અને ઠંડો પવન વાતાં ખેડૂતોનો વધ્યો-ઘટયો પાક નામશેષ થવા લાગ્યો છે, તો ડેંગ્યુ-ચિકનગુનિયા-વાયરલ ફીવર-મેલેરિયાથી સરકારી દવાખાના-લેબોરેટરી-મેડિકલ સ્ટોરના ખર્ચા ભોગવી અશક્ત બનેલા લોકો પુન: વરસાદી માહોલથી બીમારી બેવડાશે કે શું ? તેવા ભયથી ધ્રૂજી રહ્યા છે. ભચાઉમાં આજે સાંજે 6 વાગ્યે વીજળી આગના ભડકા સમાન ચારેતરફ પ્રસરતી દેખાઇ હતી. આ પંથકમાં ઘરે-ઘરે માંદગી દેખાઇ રહી છે. માનવીય મૂલ્યોને નેવે મૂકી આ પંથકમાં વૈદકીય સારવાર મોંઘી પડી રહી છે. ડેંગ્યુના રિપોર્ટ ક્યારે ? કેટલા દિવસના અંતરે કરવા, ખાનગી દવાખાના-લેબોરેટરીની નોંધ દર્દીની ઇલાજની રખાય છે કે કેમ ? કેવા પ્રકારનો ઇલાજ કરાય છે તે યક્ષ પ્રશ્ન છે. દવાની દુકાનો પર ભાગ્યે જ બિલ આપવાની પ્રથા અહીં છે. બાટલા, દવા, ગોળીની ઝોળીઓ લઇને દર્દીના સગાં ફરતા દેખાય છે. બી.એચ.એમ.એસ., ડી.એચ.એમ.એસ.ના કેટલાક દવાખાનાઓમાં ઇન્ડોર દર્દીની ભરમાર દેખાઇ રહી છે. વહીવટી તંત્ર, જિલ્લા કલેક્ટર દ્વારા ઘરે-ઘરે ગંભીર માંદગીનો સર્વે કરી નોંધ રખાય તે જરૂરી છે. આ ભચાઉ નગર ગ્રામ્ય વિસ્તારને એપેડેમિક જાહેર કરવો જોઇએ તેવી ચર્ચા જાગી છે. ખારોઇ ગામે રાત્રિસભામાં ડો. સિંઘે ગ્રામજનોને આરામ કરવા, ખૂબ પાણી પીવા, દવા લેવા, બહુ ન ડરવાની અને ખર્ચામાં ઉતરવાની જરૂર નથી એવું જણાવ્યું હોવાનું ભચાઉ તાલુકા પંચાયતના પ્રમુખ ભરતસિંહ જાડેજાએ જણાવ્યું હતું. દરમ્યાન માવઠાથી નંદગામ (ચીરઇ)થી રણધીર ધમાભાઇએ કહ્યું કે, મગફળીનો તૈયાર પાક નાશ પામી ગયો છે. લુણવા, ચોપડવા, ચીરઇ, જશોદાધામ, ગોકુળગામમાં તોફાની પવને સોથ વાળી દેતાં ખેડૂતોની હાલત દયનીય બની છે. ભચાઉ તા.પં. પ્રમુખ ભરતસિંહે કહ્યું કે, પવનથી એરંડા સૂઇ ગયા છે. કાપણી કરેલો માલ પણ નાશવંત થયો છે. વીમા કવચનું વળતર તરત ચૂકવાય તે જરૂરી છે. કંથકોટ, ખારોઇ, ચોબારી, વામકામાં કરા સાથે પડેલા વરસાદથી થનારા નુકસાનથી ખેડૂતોને ગુજરાન ચલાવવું મુશ્કેલ પડશે. કપાસ, એરંડા, ઊભી જુવાર, વાઢેલો ગોવાર સંપૂર્ણ સાફ થઇ ગયો. તીડથી પણ વધુ વિસ્તાર પ્રભાવિત થયો હોવાનું ભચાઉ તાલુકા રાજપૂત (ક્ષત્રિય) સભાના પ્રમુખ બળવંતસિંહ સમુભાએ જણાવ્યું હતું. તેમણે ઉમેર્યું કે, મજૂરોને ડેંગ્યુ જેવી બીમારીમાં આઠ-દસ હજાર ખાનગી દવાખાનામાં આપવા પડતા હોવાની  હૈયાવરાળ ઠાલવી હતી. લાખાવટથી ખેડૂત અગ્રણી ગણેશાભાઇ આહીરે કહ્યું કે, અત્યારે મંદી, મોંઘવારી, બીમારી અને આજે આવેલા માવઠાથી ખેડૂતો ચિંતિત બન્યા છે. ભચાઉમાં છ વાગ્યે પવન ઉપડતાં દુકાનો બંધ થવા લાગતાં બજારમાં સોપો પડી ગયો હતો. ભચાઉ અને તાલુકામાં પુન: સાડા સાતે વરસાદનો ત્રીજો રાઉન્ડ આવ્યો હતો. કબરાઉ, ખારોઇ, મેઘપર, મનફરા ગામે કરાના વરસાદથી ઠંડક બાદ પુન: ગરમી શરૂ થઇ છે. 

© 2020 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer