ગાંધીધામ સુધરાઈના હંગામી મુખ્ય અધિકારી માટે સમસ્યાની રાત ઓછી ને વેશ છે ઝાઝા

ગાંધીધામ, તા. 16 : નગરપાલિકાને હાલ અજમાયશી મુખ્યઅધિકારી તરીકે સનદી અધિકારી મળ્યા છે. પરંતુ  પાલિકા પ્રશાસનના અણઘડ આયોજનના કારણે શહેરના અનેક વિસ્તારોને સમસ્યાઓએ અજગરી ભરડો લીધો છે ત્યારે આ દિશામાં સનદી અધિકારી કડક વલણ અખત્યાર કરે તેવી લાગણી શહેરીજનોમાં પ્રબળ બની છે. નગરપાલિકામાં ટાંચા સાધનો, અપૂરતો સ્ટાફ, સફાઈ કર્મીઓની અછત, ખાનગી ધોરણે કરાતી કામગીરીમાં સફાઈનો અભાવ સહિતની  વર્ષો જૂની સમસ્યાઓ  વચ્ચે તાવની બીમારીએ શહેરમાં પગદંડો મજબૂત કર્યો છે. આવી પરિસ્થિતિમાં  નવા અધિકારી માટે રાત ઓછીને વેશ ઝાઝા  જેવી પરિસ્થિતિ છે. હાલ બાકીદારો સામે નોટિસ કાઢવાની કામગીરીનો આરંભ થયો છે. પરંતુ લેણાની રકમ બાકી કેમ રહી ગઈ તે બાબતે કોઈ વિચારતું નથી. આડેધડ કરાયેલી આકારણીઓ સામે નાગરિકોએ વખતો વખત કરેલી વાંધા અરજીઓની કોઈ સુનાવણી કરાતી ન હોવાનો આક્ષેપ શહેરના જાગૃત નાગરિકો કરી રહ્યા છે. ખોટી આકારણીઓના કારણે મસમોટા બિલ અને તેના ઉપર વ્યાજના કારણે રકમ વધતી જાય છે. આ બાબતે સાચી આકારણી કરી  લાદવામાં આવેલા પઠાણી વ્યાજમાં સમાધાન કરાય તે દિશામાં નવા અધિકારી કાર્યવાહી કરે તે સમયની માંગ હોવાનું જાણકારો જણાવી રહ્યા છે. શહેરના મોટા ભાગની ઔદ્યોગિક વસાહતમાં ગટર, પાણી, સ્ટ્રીટ લાઈટ જેવી કોઈ સુવિધાનું નામોનિશાન નથી. સંગઠનો દ્વારા વખતોવખત કરાયેલી રજૂઆતો બહેરા કાને અથડાઈને પાછી આવે છે. સફાઈનો તો કોઈ સવાલ જ ઊભો નથી થતો, છતાંય મોટી રકમના વેરાના બિલ આપવામાં આવે છે. આયોજનબદ્ધ રસ્તાઓ, ગટર લાઈન જે હતી તે બધી ઠપ હાલતમાં છે. તમામ લાઈન, રસ્તાઓ નવું આયોજન માગે છે. તેમ છતાં કોઈ કાર્યવાહી ન કરાતાં લોકોમાં સુધરાઈ તંત્ર પ્રત્યે ભારે આક્રોશની લાગણી પ્રવર્તી છે. શહેરીજનોના હિતમાં આ પરિસ્થિતિ નિવારવાની દિશામાં ત્વરિત કાર્યવાહી કરાય તે જરૂરી હોવાનું શહેરના જાગૃત નાગરિકો જણાવી રહ્યા છે.  

© 2020 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer