માત્ર ઇન્જેક્શન મારતાં આવડે તેવા પણ દર્દીને ઘેર જઇ ચડાવતા બાટલા !

ભુજ, તા. 16 : કચ્છમાં તાવ, ડેંગ્યુ સહિતની વ્યાપેલી બીમારીથી દવાખાનાઓ ઉભરાઇ રહ્યાં છે તેવા સમયે લાઇનોમાં ઊભી ન શકે તેવા અશક્ત દર્દીઓ અને ગામડાના લોકોને સ્થાનિક સારવાર મળી રહે તે માટે ઇન્જેક્શન આપવા પૂરતું  અધકચરું જ્ઞાન ધરાવતા લોકોને પણ તડાકો પડયો હોવાનો સૂર ઉઠયો છે. આ બાબત તબીબી વર્તુળોમાં પણ ચર્ચાઇ રહી છે. નામ ન આપવાની શરતે તબીબી વર્તુળોએ કહ્યું કે, દવાખાનાઓ અને તેને સંલગ્ન લેબોરેટરીમાં કામ કરનારાને ફક્ત ઇન્જેક્શન આપવા આવડતું હોય છે તેવો વર્ગ ખાસ કરીને ગ્રામ્ય વિસ્તારોમાં 150થી 200ની કિંમતના બાટલા ચડાવવાનો 400થી 1300 જેટલા મનમાન્યા ભાવ લઇને બીમારીનો ગેરફાયદો ઉઠાવાઇ રહ્યો છે. અધકચરા જ્ઞાનવાળા દ્વારા કરાતી સારવાર જોખમી પણ બની શકે છે તેવું જાણતા હોવા છતાં લાચાર દર્દીઓ ચલાવી લે છે. તે જીવન માટે જોખમી બની શકે છે. લોકોએ આવી બાબતો પ્રત્યે જાગૃતિ દર્શાવવી જરૂરી છે. આ બાબતે મુખ્ય જિલ્લા આરોગ્ય અધિકારી ડો. પ્રેમકુમાર કન્નરને પૂછતાં તેમણે જણાવ્યું કે, આવી પ્રવૃત્તિ ગેરકાયદેસર છે. જો કોઇ ફરિયાદ મળશે તો કાર્યવાહી કરાશે. 

© 2020 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer