ઓનલાઇન અરજીમાં મુશ્કેલી થાય તો રૂબરૂ આવો

ભુજ, તા. 16 : રાજ્ય સરકારના લોકાભિમુખ વહીવટ અભિગમ અંતર્ગત આજે ભુજમાં યોજાયેલા ખુલ્લા મંચ કાર્યક્રમમાં જિલ્લા કલેક્ટર એમ. નાગરાજનના હસ્તે ખેતીની જમીન બિનખેતીમાં ફેરવવા વગેરેની 79 જેટલી જુદી જુદી માગણીઓના કેસોના હુકમો અરજદારોને રૂબરૂ બોલાવી સોંપવામાં આવ્યા હતા.ઓપન હાઉસ કાર્યક્રમના પ્રારંભે જિલ્લા કલેક્ટરે  વહીવટી તંત્ર દ્વારા ઓપન હાઉસ કાર્યક્રમના માધ્યમથી અરજદારોના કામોનો સરળતા અને પારદર્શક રીતે નિરાકરણ લાવવાનો રાજ્ય સરકારનો અભિગમ સ્પષ્ટ કરતાં વિવિધ યોજના અંગે પ્રકાશ પાડયો હતો. અરજદારોને ઓનલાઇન વિવિધ માગણીઓ સંદર્ભે જો કોઇ મુશ્કેલી જણાય તો રૂબરૂ રજૂઆત કરવા અનુરોધ કરીને અરજદારોના પ્રતિભાવો પણ મેળવ્યા હતા.79 જેટલી વિવિધ માગણીઓના અપાયેલા મંજૂરી હુકમોમાં ખેતીની જમીન બિનખેતીમાં ફેરવવા માટેની માગણીઓના હુકમે ઉપરાંત મીઠા ઉદ્યોગ માટે ભાડાંપટ્ટે જમીન આપવા તથા ભાડાંપટ્ટા રિન્યૂ કરવા, શૈક્ષણિક સંસ્થાઓને જમીન ફાળવણીના હુકમો, ગણોતધારાની કલમ 89/89(ક)ના હુકમો, જમીન મહેસૂલ કાયદાની કલમ-65 તથા કલમ-65(ખ)ના હુકમો, ખેતીની જમીનમાં રહેલા માપણી વધારા નિયમિત કરવાના હુકમો, ગેટકો/બોર્ડ/ નિગમ/જીઇબીના હુકમો અને બિનખેતી હેતુફેરના હુકમોનો સમાવેશ થાય છે. અત્યાર સુધીમાં કચ્છ જિલ્લામાં જિલ્લા કલેક્ટરના અધ્યક્ષપદે યોજાતા ઓપન હાઉસ કાર્યક્રમ અંતર્ગત 2982 જેટલા હુકમો અરજદારોને  રૂબરૂ બોલાવી જિલ્લા કલેક્ટર દ્વારા અર્પણ કરવામાં આવ્યા છે. 

© 2020 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer