મુંદરામાં જૂના જમાનાની હવેલીમાંથી અલભ્ય કહી શકાય તેવી વસ્તુઓ સહિત 1.90 લાખની ચોરી

ભુજ, તા. 16 : કચ્છના એક સમયના પેરિસ કહેવાતા મુંદરા નગરમાં આવેલી રાજાશાહીના સમયની જૂની હવેલીમાંથી એન્ટિક ચીજવસ્તુઓ સહિત કુલ્લ રૂા. 1.90 લાખની માલસામગ્રી ચોરાઇ હોવાનો કિસ્સો અંતે આજે ફોજદારી ફરિયાદના સ્વરૂપમાં પોલીસ દફતરે ચડયો હતો.  ભુજમાં મુંદરા રોડ ઉપર રિલાયન્સ પેટ્રોલપંપ પાસે આશાપુરા પાર્કમાં રહેતા વેપારી અને જમીનના ધંધાર્થી વિનય વિનોદભાઇ રેલોને આ ચોરી વિશે ફરિયાદ આજે દાખલ કરાવી હતી. જેમાં આરોપી તરીકે મુંદરાના મુકેશ પંડયા નામના શખ્સ અને તેની સાથેની અજ્ઞાત વ્યકિતઓને બતાવાયા છે. મુંદરા પોલીસે આ બાબતે વિધિવત ગુનો દાખલ કરી કેસની તપાસ ફોજદાર પી.કે. લિંબાચિયાને સોંપાઇ છે. ફરિયાદને ટાંકીને પોલીસ સૂત્રોએ આ વિશેની વિગતો આપતાં જણાવ્યું હતું કે, મુંદરામાં ધાવલશા શેરી ખાતે આવેલી જૂના જમાનાની અને જેમાં અનેક એન્ટિક ચીજવસ્તુઓ રહેલી હતી તેવી હવેલી આ ઘટનામાં તસ્કરીનું નિશાન બની છે. આ હવેલીમાંથી લાકડાની વિવિધ વસ્તુઓ બારસાખ, દરવાજા, વાસણો, મૂર્તિઓ અને અન્ય એન્ટિક ચીજવસ્તુઓ ચોરી જવાઇ હતી. આ સામગ્રીની કિંમત અંદાજિત રૂા. 1.90 લાખ ફરિયાદમાં અંકારાઇ છે. અત્રે ઉલ્લેખનીય છે કે, એક જમાનામાં વિશ્વભર સાથે વેપાર વાણિજ્ય ધરાવતા કચ્છના મુંદરા અને માંડવી નગરમાં જૂના જમાનાની અનેક હવેલીઓ અને ઇમારતો મોજૂદ છે. જેમાં અલભ્ય કહી શકાય તેવી વિવિધ વસ્તુઓ જોડાયેલી છે. આવી બંધ હાલતની હવેલીઓની સામગ્રીની ચોરીના કિસ્સા અગાઉ પણ બની ગયા છે. ચોરીની ઘટના ગઇકાલથી પંદર દિવસ પહેલાં ગમેત્યારે બન્યાનું ફરિયાદમાં લખાવાયું છે. પોલીસે તપાસ હાથ ધરી આરોપીઓ હસ્તગત કરવાની તૈયારીઓ આરંભી છે. 

© 2020 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer