અંજારમાં 1 લાખની લૂંટનો બનાવ ઉપજાવી કાઢેલો હોવાનું બહાર આવ્યું

ગાંધીધામ, તા. 16 : અંજારમાં દિનદહાડે બાઈક ઉપર આવેલા બે અજાણ્યા શખ્સોએ 1 લાખની રોકડની લૂંટ કરી હોવાના બનાવના પગલે ભારે દોડધામ થઈ પડી હતી, પરંતુ તપાસ બાદ ભત્રીજાની સારવાર માટે  ભાઈને રૂપિયા આપી દીધા હોવાથી લૂંટનો બનાવ ઉપજાવી કાઢયો હોવાનું બહાર આવતાં પોલીસે રાહતનો દમ લીધો હતો. પોલીસના સત્તાવાર સાધનો પાસેથી મળતી વિગતો મુજબ આજે સવારે 11 વાગ્યાના અરસામાં અંજારના યાદવ નગર વિસ્તારમાં રહેતા પબીબેન બાબુભાઈ રબારી ખત્રી બજારમાં પહોંચ્યા  ત્યારે આ બનાવ બન્યો હતો. બાઈક ઉપર આવેલા બે શખ્સો 1 લાખની રોકડ ભરેલો થેલો ઝૂંટવી નાસી ગયા હતા. આ બનાવની પોલીસને જાણ કરાતાં નાકાબંધી સહિતનાં પગલાં લેવાયાં હતાં. દરમ્યાન પોલીસે ફરિયાદી મહિલાની સઘન પૂછપરછ કરતાં આ બનાવ ઉપજાવી કાઢેલો હોવાનું બહાર આવ્યું હતું.  મહિલાએ જણાવ્યું હતું કે, તેના સગા બહેને તેના પુત્રનાં લગ્ન હોઈ 1 લાખ રોકડા રાખવા આપ્યા હતા અને  ઘરે રાખો પછી લઈ જઈશ તેવું કહ્યું હતું.  ચોપડવા ખાતે રહેતા બહેન આજે સવારે 1 લાખ લેવા માટે અંજાર આવવાનાં હતાં.પબીબેન અને બાબુભાઈ રબારી નાગોર તેમના ભાઈના ઘરે ગયા હતા. ત્યાં ભાઈના પત્ની અને તેમનો દીકરો  ડેંગ્યુ તાવની બીમારીમાં પટકાયેલા હતા અને ભાઈએ બહેન પાસે પૈસાની માગણી કરી હતી. જેથી બહેને રાખવા આપેલા 1 લાખ ભાઈને આપી દીધા હતા. ભાઈ તેમને પૈસા પરત આપવા આવવાના હતા, પરંતુ તેઓ પૈસા પાછા આપી ન શકતાં આ લૂંટનો બનાવ ઉપજાવી કાઢયો હતો. પોલીસે પબીબેન અને બાબુભાઈ રબારીના નિવેદન નોંધી વધુ તપાસ હાથ ધરી છે. 

© 2020 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer