ભુજની પાર્કિંગની સમસ્યાના ઉકેલની અંતે આશા સાથે સર્વેના મંડાણ

ભુજ તા 16: શહેરમાં ટ્રાફિકની વકરેલી સમસ્યા પાછળ વાહનો પાર્ક કરવા માટે પાર્કિંગની અપૂરતી જગ્યાને અગત્યનું કારણ માનવામાં આવી રહ્યું છે, ત્યારે હવે શહેરમાં પાર્કિંગની વિકરાળ બનતી સમસ્યાને ડામવા માટે ખાસ વ્યાયામ તંત્ર દ્વારા આરંભવામાં આવ્યો છે. ભાડાની ટીમે આ માટે સર્વે કરવાનું કાર્ય હાથ પર લીધું છે. તો પાર્કિંગ માટે મંજૂર થયેલ જગ્યાનો અન્ય હેતુ માટે ઉપયોગ કરાતો હશે તેવા મિલકત ધારકોને નોટિસ પાઠવવા સહિતની કાર્યવાહી કરાશે.ભાડાના મુખ્ય કારોબારી અધિકારીનો કાર્યભાર સંભાળતા મદદનીશ કલેકટર મનીષ ગુરવાણીએ `કચ્છમિત્ર'ને વિગત આપતાં કહ્યું કે શહેરમાં ટ્રાફિકની સમસ્યાના ઉકેલ માટે ક્રમવાર કામગીરી શરૂ કરાઈ છે. જેના પ્રથમ ચરણમાં પાર્કિંગની સમસ્યા તરફ ધ્યાન કેન્દ્રિત કરાયું છે. ભુજ શહેરી વિકાસ સત્તા મંડળે એક સર્વે શરૂ કર્યો છે. જેમાં શહરેના જે વિસ્તારમાં ટ્રાફિકની સમસ્યા વધુ પ્રમાણમાં જોવા મળી રહી છે ત્યાં વાહન પાર્કકિરવા કેટલી જગ્યા તારવી શકાય તેમ છે તેનું વિસ્તૃત સંકલન કરવામાં આવશે. આ ઉપરાંત આ વિસ્તારમાં જે બિલ્ડિંગ આવેલી છે તેમાં જો લે-આઉટ પ્લાન પ્રમાણે પાર્કિંગની જગ્યા મંજૂર થઈ હોય તો તેનો હાલ કેવા પ્રકારે ઉપયોગ કરવામાં આવી રહ્યો છે તેનો અહેવાલ રજૂ કરી સુપ્રત કરવામાં આવશે. મળેલ અહેવાલના આધારે નિયમ મુજબ આ જગ્યાનો પાર્કિંગ તરીકે ઉપયોગ કરાવવા માટે કાર્યવાહી કરવામાં આવશે. શ્રી ગુરવાણીએ કહ્યું કે મુંદરા રોડ પર આવેલા રિલાયન્સ મોલને આવા જ કારણોસર નોટિસ પાઠવાયા બાદ મોલના સંચાલકોએ બેઝમેન્ટનો ઉપયોગ વાહન પાર્ક કરવા માટે કરવાની કામગીરી કરી છે. ટીપી સ્કીમ હેઠળ ભુજમાં 32 જેટલા તારવાયેલા પાર્કિંગ પ્લોટ નગરપાલિકાને સોંપવામાં આવ્યા હતા. સુધરાઈના મુખ્ય અધિકારીએ આ પ્લોટ નાના હોવાથી કોઈ મોટો ફાયદો થાય તેવી શકયતા ન હોવાનું કહ્યું હતું. હવે નવેસરથી પ્રમાણમાં મોટી જગ્યા ધરાવતા પાર્કિંગ પ્લોટ તારવવા માટેની વહીવટી કામગીરી પણ શરૂ કરવા માટેની કવાયત હાથ ધરાઈ છે.  

© 2020 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer