કંથકોટના રવિ મંદિરનો 7.90 કરોડના ખર્ચે થશે `સૂર્યોદય''

ભુજ, તા. 16 : ગુજરાત અને ભારતમાં આવેલા પ્રસિદ્ધ સૂર્યમંદિરમાં જેની ગણના થાય છે એવા ભચાઉ તાલુકાના કંથકોટમાં આવેલા સૂર્યમંદિરનો પ્રવાસન વિભાગની વિશેષ ગ્રાન્ટમાંથી 7.90 કરોડના ખર્ચે વિકાસ કરવા માટેની રૂપરેખા ઘડવામાં આવી છે. સરકારમાં મોકલાયેલ દરખાસ્તને મંજૂરી મળે તેની રાહ જોવાઈ  રહી છે. કંથકોટનું સૂર્ય મંદિર 10મી સદીમાં નિર્માણ પામ્યું છે અને ઐતિહાસિક મહત્ત્વ ધરાવે છે. કેહેવાય છે કે મેઢેરા અને કંથકોટના સૂર્યમંદિરની સ્થાપના લગભગ સમાન વર્ષોમાં જ થઈ હતી. આયોજન વિભાગની ગ્રાન્ટમાંથી  પ્રવાસન સ્થળોના વિકાસની રૂપરેખા ઘડવામાં  આવી રહી છે. આ પ્રવાસન સ્થળોમાં કંથકોટનો પણ સમાવેશ કરાયો છે. જે વિકાસકામો હાથ ધરવામા આવનારા છે તેમાં અહીં આવેલી અડીકડી વાવના બ્યૂટીફિકેશન, વોક-વે અને ફૂડઝોન બનાવવા, ગ્રામ હાટનું નિર્માણ કરવા, ચેકડેમના નવીનીકરણ સાથે કંથડનાથ મંદિર તેમજ મંદિરની સમીપે જ આવેલા ચેકડેમના નવીનીકરણના કાર્યોને આવરી લેવામાં આવ્યા હોવાની વિગત જિલ્લા આયોજન શાખામાંથી જાણવા મળી રહી છે. આ ઉપરાંત કંથકોટમાં યોગ કેન્દ્ર કાર્યરત છે તેમાં પણ નવી સુવિધાઓનો ઉમેરો કરાશે. આ સ્થળે મોટી સંખ્યામાં મોર પણ આવતા હોવાથી આ રાષ્ટ્રીય પક્ષી સરળતાથી ચણી શકે તે માટે  અલાયદી સુવિધા ઊભી કરી લોકો આ મોરને કોઈ પણ પ્રકારની ખલેલ પાડયા વગર નિહાળી શકે તેવી વ્યવસ્થા સૂચિત આયોજન હેઠળ ઘડાઈ રહી છે. કચ્છ જ્યારે પ્રવાસન ક્ષેત્રે વિકાસ તરફ આગળ ધપી રહ્યું છે ત્યારે કંથકોટમાં આ નવા આયોજનો થકી પ્રવાસન વિકાસના દ્વાર ખૂલશે તેવો આશાવાદ સ્થાનિક લોકો વ્યકત કરી રહ્યા છે.  

© 2020 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer