અંતરજાળમાં દબાણ મામલે તાલુકા પંચાયત સદસ્ય સહિત ત્રણનો હુમલો

ગાંધીધામ, તા. 16 : તાલુકાના અંતરજાળ ગામમાં ગોચર જમીન ઉપર દબાણ કરનારા તાલુકા પંચાયતના સદસ્ય સહિત ત્રણ શખ્શોએ યુવાન ઉપર છરી વડે હુમલો કર્યો હોવાનો બનાવ પોલીસ ચોપડે નોંધાયો છે. પોલીસના સત્તાવાર સાધનો પાસેથી મળતી વિગતો મુજબ મારામારીનો આ બનાવ ગામના તળાવની પાછળ આવેલી  ગોચર જમીનમાં  ગઈકાલે સાંજના અરસામાં બન્યો હતો. તાલુકા પંચાયતના કોંગ્રેસી સભ્ય આરોપી રમેશ નારણ મ્યાત્રા ઉર્ફે પટેલ, ધનજી નારણ મ્યાત્રા અને કીરણ ધનજી મ્યાત્રાએ ફરિયાદી હમીર સખાયા બવા(આહીર) ઉપર છરી, પાઈપ અને ધોકા વડે હુમલો કરી માથાના પાછળના ભાગે ઈજા પહોંચાડી હતી. આરોપીઓએ તળાવની પાછળ આવેલી ગોચર જમીનમાં દબાણ કર્યું હતું. આ દબાણ હટાવવા મામલે ગ્રામજનો દ્વારા તાલુકા પંચાયત સહિતના સ્થળે રજૂઆત કરાઈ હતી. છતાંય આરોપીઓએ દબાણ દૂર કર્યું ન હતું. ગઈકાલે બપોરે  ગામના તલાટી દબાણ વાળી ગોચર જમીનનું પંચનામુ કરવા ગયા હતા. અને તલાટીના કહેવાથી ફરિયાદી સાથે ગયા હતા. આરોપીઓ જમીન ઉપર બાંધકામ કરતા હતા. જેથી તલાટી તથા ફરિયાદીએ બાંધકામ ન કરવા  કહ્યું હતું. જેથી ઉશકેરાયેલા આરોપીઓએ હુમલો કર્યો હતો. પોલીસે ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે.  

© 2020 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer