કચ્છમાં નુકસાન પામેલા રસ્તાનાં કામો વેળાસર કરાવો

ભુજ, તા. 16 : અહીં જિલ્લા સંકલન સહ ફરિયાદ સમિતિની બેઠક જિલ્લા કલેકટર એમ. નાગરાજનના અધ્યક્ષપદે યોજાઇ હતી. પદાધિકારીઓ દ્વારા વિવિધ પ્રશ્ને રજૂઆત કરાઇ હતી. સાંસદ વિનોદભાઇ ચાવડાએ રૂબરૂ પ્રશ્નોત્તરીમાં રજૂઆત કરી હતી કે, સૂરજબારીનું ટોલનાકું નિયમ પ્રમાણે સુસંગત જણાતું ન હોઇ વાહનધારકો માટે આર્થિક ભારણ પણ વધારે છે. ટોલનાકું બંધ કરવામાં આવે તે અંગેની કાર્યવાહી હાથ ધરવા જણાવ્યું હતું તેમજ પડાણા, ખંભરા અને ગળપાદર જેવા માર્ગો ઉપર અકસ્માતોનું પ્રમાણ વધતું જતું રહે છે, તેને અટકાવવા અને આ માર્ગ ઉપર સુચારૂ વાહન-વ્યવહારની સુવ્યવસ્થા ગોઠવવા જણાવ્યું હતું.ગાંધીધામના ધારાસભ્ય માલતીબેન મહેશ્વરીએ ગાંધીધામ શહેરની ટ્રાફિક સમસ્યા, રોડ રસ્તાનાં બાકી કામો વહેલાસર પૂર્ણ કરવા પર ભાર મૂકયો હતો.અબડાસાના ધારાસભ્ય પ્રદ્યુમનાસિંહ જાડેજા દ્વારા જિલ્લા કલેકટર સમક્ષ ભારે વરસાદને કારણે કચ્છમાં નુકસાન પામેલા વિવિધ માર્ગો, સિંચાઇને લગતા ડેમો, તળાવોનાં કામો અને થયેલા ખર્ચ બાબતે રજૂઆત ઉપરાંત આર.ટી.ઓ.ને લગતી કાર્યવાહી તેમજ નખત્રાણા તાલુકાના લીફરી ગામે જી.એમ.ડી.સી.દ્વારા સંપાદન કરાયેલા ખેડૂત ખાતેદારની વિસંગતતા અને મંગવાણામાં સીએચસી બિલ્ડિંગના બાંધકામના કામો શરૂ કરવા જણાવ્યું હતું. જિલ્લા પંચાયત સામાજિક ન્યાય સમિતિના ચેરમેન વસંતભાઈ વાઘેલાએ વિવિધ લોકપ્રશ્નોની રજૂઆત કરી હતી.કલેકટર એમ. નાગરાજને પદાધિકારીઓના પ્રશ્નો પરત્વે કાર્યવાહી હાથ ધરવાની સાથે કોઇ અડચણ કે વહીવટી પ્રશ્નો હોય તો તેનું ત્વરિત નિરાકરણ લાવીને સંબંધિત વિભાગોના અધિકારીઓને કામગીરી હાથ ધરવા સૂચના આપી હતી. બેઠકમાં પેન્શનના પ્રશ્નો, સરકારી લેણા, ટ્રાફિક નિયમોનું પાલન કરવા સૂચના અપાઇ હતી. જિલ્લા વિકાસ અધિકારી પ્રભવ જોષી, પશ્ચિમ વિભાગના પોલીસવડા સૌરભતોલંબિયા, નિવાસી અધિક કલેકટર કુલદીપાસિંહ ઝાલા,ડીઆરડીએ નિયામક એમ.કે.જોષી, પ્રાંત અધિકારીઓ સહિત જુદા-જુદા વિભાગોના ઉચ્ચ અધિકારીઓ ઉપસ્થિત રહ્યા હતા. 

© 2019 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer