વડોદરામાં ભુજની યુવતીનો પતિ અને સાસરિયાના ત્રાસથી ફાંસો ખાઇ આપઘાત
ભુજ, તા. 16 : વડોદરા ખાતે પરણાવાયેલી ભુજની યુવતી મોનિકા રોનક ઠક્કર દ્વારા પોતાના પતિ, સાસુ અને નણંદ તથા નણદોઇયાના દહેજ અને રૂપિયા માટેના ત્રાસથી કંટાળીને ગળેફાંસો ખાઇ આત્મહત્યા કરી લીધી હોવાનો કિસ્સો બહાર આવ્યો છે. આ મામલે ચારેય જવાબદારો સામે આપઘાત માટે દૂપ્રેરણ વિશે ફોજદારી ફરિયાદ નોંધાવાઇ છે.ભુજમાં હોસ્પિટલ રોડ ખાતે કલ્પતરૂ એપાર્ટમેન્ટમાં રહેતા મરનાર મોનિકાના પિતા જેષ્ટાભાઇ દામજીભાઇ દૈયાએ આ પ્રકરણમાં મોનિકાના પતિ વડોદરા શહેરમાં કારેલીબાગ ખાતે રહેતા રોનક અનિલભાઇ ઠક્કર (પૂજારા), સાસુ માલતીબેન, નણંદ મીત્તલબેન અને નણંદોઇયા મનદીપ સામે ભારતીય દંડસંહિતાની કલમ 306 મુજબ ગુનો દાખલ કરાવ્યો હતો. ફરિયાદમાં લખાવાયા મુજબ લગ્ન બાદ આરોપીઓ મોનિકાને માવિત્રેથી રૂપિયા લઇ આવવા તથા તું દહેજમાં કાંઇ લાવી નથી તેવું કહીને શારીરિક-માનસિક ત્રાસ આપતા હતા, તો વિવિધ બાબતો અંગે પણ તેના ઉપર સિતમ ગુજારાતો હતો. લાંબા સમયના આ ત્રાસથી ત્રસ્ત બનીને અંતે મોનિકાએ ગત તા. 11મીના ગળેફાંસો ખાઇને મોત વ્હાલું કરી લીધું હતું.