કરાથી કચ્છના 20 હજાર ખેડૂતને નુકસાનીનો સરકારને અંદાજ અપાયો
ભુજ, તા. 16 : કચ્છમાં તાજેતરના કમોસમી માવઠાં સાથે પડેલા કરા અને ફૂંકાયેલા પવનથી 20 હજાર જેટલા ખેડૂતને નુકસાની થઇ હોવાનો પ્રાથમિક અંદાજ સરકારને અપાયો હોવાનું જિલ્લા વિકાસ અધિકારી પ્રભવ જોશીએ જણાવ્યું હતું. આ માવઠા અને કરાનો ભોગ બનેલા ખેડૂતોજોગ સંદેશો આપતાં ડીડીઓ શ્રી જોશીએ જણાવ્યું કે, ખેતીને નુકસાની અંગેની અરજી સ્થાનિક ગ્રામ સેવકોને આપી દેવી જેથી તંત્ર દ્વારા નુકસાનનો સર્વે શરૂ કરી શકાશે.હાલના કમોસમી વરસાદે વધુ નુકસાની વેરી છે તેવાભચાઉ ઉપરાંત રાપરમાં સર્વે ચાલુ કરવાનો સંબંધિત કર્મચારીઓને આદેશ આપી કામગીરી ચાલુ કરાઇ હોવાનું ઉમેર્યું હતું. ખેડૂતો દ્વારા ખેતીને નુકસાનીની અરજીઓ આવ્યેથી બધી જગ્યાએ સર્વે કામગીરી કરાશે, જેથી ચાર-પાંચ દિવસ બાદ વાસ્તવિક પરિસ્થિતિનો અંદાજ આવશે. સરકાર દ્વારા આ બાબતે જે નિર્ણય લેવાશે તે રીતે નુકસાની વળતર આપવાની કામગીરી ચાલુ કરી દેવાશે.