કાલથી કંડલા-અમદાવાદ-નાસિકની વિમાની સેવાનો થઈ રહેલો પ્રારંભ

ગાંધીધામ, તા. 16 : એલાયન્સ એર દ્વારા તાજેતરમાં જાહેર કરાયેલી કંડલા અમદાવાદ વિમાની સેવાનો આગામી તા. 18મીના કંડલાથી આરંભ થશે. આ સાથે જ કંડલા વિમાની મથકે વિમાની સેવાની હેટ્રીક થશે. આ સેવા થકી કંડલાને દેશના બે શહેરો સાથેની સીધી વિમાની સેવાનો લાભ મળશે. એલાયન્સ એર દ્વારા જારી કરાયેલી અખબારી  યાદીમાં જણાવ્યા પ્રમાણે સોમવારથી શુક્રવાર સપ્તાહમાં પાંચ  દિવસ આ વિમાની સેવા શરૂ રહેશે. અમદાવાદથી સવારે 10.05 કલાકે વિમાન ઉડાન ભરી સવારે 11.10 કલાકે કંડલા પહોચશે. કંડલાથી પરત 11.40 વાગ્યે ઉડાન ભરી બપોરે 12.45 વાગ્યે અમદાવાદ પહેંચશે. આ વિમાની સેવાથી કંડલાને વાયા અમદાવાદ નાસિક અને હૈદ્રાબાદની કનેક્ટિવિટી મળશે તેવું અખબારી યાદીમાં જણાવાયું છે. એલાયન્સ એર દ્વારા હાલ 54 જેટલા શહેરોમાં વિમાની સેવા  શરૂ કરવામાં આવી છે અને પપમી સેવા કંડલા ખાતે આગામી 18મીથી  શરૂ કરવામાં આવશે.  આ વિમાની સેવાથી  નાસિક અને હૈદ્રાબાદનું સીધું જોડાણ મળતું હોવાથી આ બન્ને શહેરોના પ્રવાસના સમયમાં પણ નોંધપાત્ર ઘટાડો થશે. અને આ સેવાથી દ્વારકાના પ્રવાસનને વેગ મળશે તેમજ કંડલા આયાત નિકાસનું હબ ગણાતું હોવાથી ઉદ્યોગની દ્રષ્ટિએ આ સેવા મહત્ત્વપૂર્ણ સાબિત થશે તેવો આશાવાદ કંપની  દ્વારા વ્યકત કરાયો છે. આ વિમાની સેવા કેન્દ્ર સરકારની ઉડાન યોજના અંતર્ગત શરૂ કરવામાં આવી છે. અને કંડલાથી અમદાવાદનું ભાડુ રૂ.1300 જેટલું રહેશે. આ રકમ ઉપર સરકારી કર અલગથી લાગુ કરવામાં આવશે.  

© 2019 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer