ભુજના યુવાનની સાસરિયાઓ દ્વારા ઘાતકી હત્યા

ભુજના યુવાનની સાસરિયાઓ દ્વારા ઘાતકી હત્યા
ભુજ, તા. 14 : પતિ અને પત્ની વચ્ચેના ઘરેલુ કંકાસ અને અણબનાવ થકી ઊભી થયેલી સ્થિતિ વચ્ચે અત્રેના 35 વર્ષની વયના સુલેમાન આમદ સરકી નામના રિક્ષાચાલક યુવાનની તેના સાસરિયાઓ દ્વારા હત્યા કરાઇ હોવાનો મામલો પ્રકાશમાં આવ્યો છે. ચાર દિવસ પહેલાં ખૂનની આ ઘટનાને અંજામ અપાયા બાદ મરનારના મૃતદેહને ગાડીમાં નાખીને છેક વાગડમાં વિજપાસર ગામ નજીક એક પુલિયા નીચે ફેંકી અવાયો હતો. શહેરમાં હિનાપાર્ક-2 નામની વસાહત ખાતે રહેતા સાસરિયા પક્ષના સભ્યોએ ગત રવિવાર તા. 10મીના સાંજે શહેરમાં પાટવાડી નાકા વિસ્તારમાં ફતેહમહદમના હજીરા પાસે રહેતા પોતાના જમાઇ સુલેમાન સરકી ઉપર લાકડી અને ધોકા સહિતના હથિયારો વડે હુમલો કરી તેને માથામાં ગંભીર ઇજાઓ પહોંચાડવા સાથે તેની હત્યા કરી નાખી હતી. સુલેમાનનું  મૃત્યુ થયાનો ખ્યાલ આવ્યા બાદ તેની લાશ ગાડીમાં લઇ જઇને છેક ભચાઉ તાલુકામાં વિજપાસર ગામ પાસે એક પુલિયા નીચે ફેંકી અવાઇ હતી. દરમ્યાન ચાર દિવસ જૂના આ કિસ્સામાં મરનાર સુલેમાન ગુમ થયા વિશે અત્રેના એ- ડિવિઝન પોલીસ મથકમાં તેના પરિવારે બે દિવસ પહેલાં 12મી તારીખે ગુમનોંધ પણ કરાવી હતી. જે સંબંધી સાસરિયા પક્ષની પૂછતાછ અને તપાસમાં સમગ્ર મામલો આજે બહાર આવ્યો હતો. પોલીસ સાધનોએ આપેલી માહિતી મુજબ બનાવ બાબતે મરનાર યુવાનના ભાઇ અવેશ આમદ સરકીએ અત્રેના બી- ડિવિઝન પોલીસ મથકમાં મૃતક સુલેમાનના બે સાળા સમીર અમીરહુશેન અન્સારી અને સોયબ અમીરહુશેન અન્સારી તથા પત્ની સલમા સુલેમાન સરકી, સસરા અમીરહુશેન પીરમામદ અન્સારી અને સુમો જીપકારવાળા હાજી ઉર્ફે રોહિત મેણેલાલ ચમાર સામે હત્યા સહિતની કલમો તળે ફરિયાદ દાખલ કરાવી હતી. દરમ્યાન ચારેક દિવસ પહેલાં હત્યા કરાયેલા અને અવાવરુ જગ્યાએ ફેંકી અવાયેલા મૃતક સુલેમાનની લાશની હાલત બગડી ગઇ હતી. સ્થાનિકે તેનું પોસ્ટમોર્ટમ શકય ન હોવાથી પોલીસે આ માટે મૃતદેહને જામનગર મોકલી આપ્યો છે. બીજી બાજુ ફરિયાદને ટાંકીને પોલીસ સૂત્રોએ વધુ માહિતી આપતાં જણાવ્યું હતું કે સુલેમાન સરકીના લગ્ન સલમા સાથે થયા હતા. આ બન્ને પતિ-પત્ની વચ્ચે અણબનાવને લઇને સલમા તેના પિયરમાં હિનાપાર્ક-2 ખાતે રહેવા ચાલી ગઇ હતી. આ વચ્ચે જ્યારે જ્યારે સુલેમાન તેના સાસરે જતો હતો ત્યારે ઝઘડાઓ થયા કરતા હતા. જેની પરાકાષ્ટા રૂપે ગત રવિવારે સાંજે ખૂનની ઘટના બની હતી.લાકડી-ધોકા વડે થયેલા પ્રહારો થકી માથામાં ગંભીર ઇજાઓ પામેલો સુલેમાન તેના સાસરાના ઘરના દરવાજા નજીક જ ફસડાઇ પડયો હતો અને મૃત્યુ પામ્યો હતો. બાદમાં આ બાબત ખ્યાલ આવતાં આરોપીઓએ તેમના પરિચિત એવા હાજી ઉર્ફે રોહિત ચમાર ટાટા સુમોવાળાને બોલાવી તેની ગાડીમાં મૃતદેહ નાખી લાશ વિજપાસર પાસેના પુલિયા નીચે ફેંકી અવાઇ હતી.બનાવ બાબતે સમીર, સોયબ, અમીરહુશેન, સલમા અને રોહિત ચમાર ઉપરાંત તપાસ દરમ્યાન જેમની સંડોવણી નીકળે તેની સામે ગુનો દાખલ કરાયો હતો. મરનાર સુલેમાન સરકી ભાડાંની રિક્ષા ચલાવવાનું કામ કરતો હતો. 

 
સલમા તલાક ઇચ્છતી હતી અને સુલેમાનને મોત મળ્યું 
ભુજ, તા. 14 : અહીંના સુલેમાન આમદ સરકી નામના રિક્ષાચાલક યુવાનની હત્યા પછવાડે તેની રિસામણે બેઠેલી પત્ની સલમાની તલાક લેવાની ઇચ્છા અને તેના કારણે વધેલા ઝઘડા જેવા પરિબળો નિમિત્ત બન્યા હતા. સુલેમાન અને સલમાને લગ્નજીવન દરમ્યાન શીફા નામની પુત્રીનો જન્મ પણ થયો હતો. શીફા અત્યારે તેની માતા સાથે મોસાળમાં હિનાપાર્ક ખાતે રહેતી હતી. પુત્રીને મળવા સુલેમાન જતો ત્યારે અવારનવાર ઝઘડા થતા હતા. સલમા તલાક લેવા ઇચ્છતી હતી. આ તમામ સંજોગો વચ્ચે રવિવારે સાંજે પુત્રીને મળવા ગયેલા સુલેમાનને લાકડી-ધોકાના હુમલાથી મોત મળ્યું હતું તેવું ફરિયાદમાં લખાવાયું છે. 

© 2020 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer