સરકારની ઓનલાઇન માયાજાળમાં ફસાતો અરજદાર

સરકારની ઓનલાઇન માયાજાળમાં ફસાતો અરજદાર
ગિરીશ જોશી દ્વારા-
ભુજ, તા. 13 : સરકારના વિવિધ વિભાગોમાં મોટા ભાગની નાની-મોટી અરજીઓ ઓનલાઇન કરવાના ફતવાથી સામાન્ય અભણ અરજદારો તો મુશ્કેલીમાં મૂકાઇ ગયા છે. નવાઇની વાત તો એ છે કે ડિજિટલ યુગનો લાભ લેવા પેપરલેસ કરવાની દિશામાં કોમ્પ્યુટર મારફતે માગણી સ્વીકારવામાં આવે છે. વધારામાં અરજીની મૂળ કોપી તો ઓફિસમાં પહોંચાડવી પડે છે. પછી સવાલ એ થાય છે કે તો ઓનલાઇનનો હેતુ શો છે ? બિનખેતી, ખેડૂતોને લગતા વિષય કે અન્ય નાની-મોટી તમામ બાબતોમાં હવે ઓનલાઇન અરજી કરવાનો આગ્રહ રખાય છે. હકીકતમાં ગામડામાં બેઠેલા આ સામાન્ય અરજદાર પાસેથી ઓનલાઇન અરજી શક્ય છે કે નહીં તેનો ખ્યાલ રાખવામાં નથી આવ્યો. ભોગ બનેલા અરજદારો પોતાની વાત કરીને હવે થાકી ગયા છે ત્યારે ગામડાના 80 વર્ષના એક વૃદ્ધ અરજદારની આપવીતી પણ કંઇક અલગ છે. વર્ષોથી ગામડામાં પેટિયું રળતા આ વૃદ્ધે પોતાનું ખોરાક ઔષધ નિયમન તંત્ર પાસેથી લીધેલું લાયસન્સ પૂરું થતું હોવાથી નવેસરથી અરજી માટે ભુજની બહુમાળી કચેરીના પગથિયા ચડીને ધા નાખી તો કચેરીમાંથી જવાબ મળ્યો કે હવે અરજી પહેલાં ઓનલાઇન કરો, અપલોડ થઇ ગયા બાદ અરજીની નકલ ઓફિસે પહોંચાડજો. ફોર્મ જોયું તો 10 પાનાનું જેમાં સંખ્યાબંધ માહિતી હતી. એક સામાન્ય દુકાનદાર આ સાંભળીને હેબતાઇ ગયા કે હવે શું કરવું. આ લાયસન્સ લેવા માટે સોગંદનામું, મેડિકલ સર્ટિ.,પાણીનું પ્રમાણપત્ર ઉપરાંત માલિકીના આધારો વગેરે માગવામાં આવ્યા હતા. સૌથી પહેલાં પાણીનું પ્રમાણપત્ર માંગ્યું તો ભુજમાં અબડાસાવાળાને ન મળે, માંડવીમાં મળશે તેવું જણાવાયું. માંડવીમાં પાણીના નમૂના લઇને પહોંચ્યા તો પહેલાં ત્યાં પણ અરજી, પછી ફી ભરવા એક નકલ બનાવી દેવાઇ જે રકમ માટે પાણી પુરવઠાની બીજી કચેરીમાં જવું, ત્યાં ગયા તો રોકડ નહીં બેંકમાંથી ઓનલાઇન ભરો. ઓનલાઇન ફી જમા થઇ ગયા પછી પહોંચ અહીંથી લઇને પ્રયોગશાળામાં જવાનું, ત્યાંથી પ્રમાણપત્ર મળશે. હવે અરજીફોર્મ સાથે ફીની રકમ રૂા. 500નું ચલણ બનાવી દેવાનું એ પણ બેંકમાં ભરવું, સોગંદનામું બનાવવા વેન્ડર પાસેથી લખાણ કરાવ્યા બાદ કહેવામાં આવ્યું કે પાનું તો ફ્રેન્કીંગ થશે, હવે સ્ટેમ્પ પેપર ચાલતા નથી. ભુજની કોમર્શિયલ બેંકમાં ફ્રેન્કીંગ કરાવવા પહોંચ્યા તો ત્યાં 150 જણ લાઇનમાં હતા. માંડ મેળ પડયા પછી ચાર દિવસે બધા જ પેપર એકત્ર થયા પછી ઓનલાઇનનું સર્વર ઠપ...! આ તો એક સામાન્ય કિસ્સો છે. સ્ટેમ્પ વેન્ડર વિરલ ઠક્કરે કહ્યું કે, ગામડાઓમાંથી આવતા અરજદારો ધક્કા ખાઇને પરેશાન થઇ જાય છે. સરકારે એકબાજુ અરજદારોને ધક્કા નહીં પડે, તમામ કામો માટે એક બારી પદ્ધતિ અમલી બનાવી છે એવી જાહેરાતો થાય છે પણ હવે તો દરેક વિષયમાં ધક્કા ને વ્યર્થ ખર્ચ સિવાય કંઇ જ નથી. ઇ-સ્ટેમ્પિંગની વ્યવસ્થા પહેલી કરવી જોઇએ તેના બદલે પહેલાં સ્ટેમ્પ પેપર જ બંધ કરી દેવાયા. હવે રોજિંદા સોગંદનામા, દસ્તાવેજ કે અન્ય રજિસ્ટ્રેશન માટે અરજદાર જાય ક્યાં ? તેમાંય બહારથી આવતા લોકો તો રીતસર હાલાકીમાં મૂકાઇ જાય છે. બેંકોમાં લાઈન લાગે છે અને અરજદારોને તકલીફ થાય છે એ વાત સાચી છે, તેવું કહેતાં ભુજ કોમર્શિયલ બેંકના મેનેજર ધીરજ મજેઠિયાએ કહ્યું કે, અમે તો સારી સેવા આપવાનો પ્રયાસ કરીએ છીએ પણ રોજ ત્રણસોથી વધુ અરજદારો આવતાં હોવાથી સ્વભાવિકે થોડી હાલાકી થાય અને બહાર સુધી ઉભવું પડે છે. શરૂઆતમાં તો અરજદારોની સંખ્યા દૈનિક 400થી પણ વધી જતી હતી. આ વાતમાં સૂર પુરાવતાં કોસમોસ બેંકના મેનેજર પ્રકાશ ગઢવીએ કહ્યું કે, અમારી પાસે પણ દોઢસોથી બસો લોકો ફ્રેન્કીંગ કરાવવા આવે છે.  આવી જ હાલત ખેડૂતોની છે. નવા વીજજોડાણ હોય કે ખેતીવાડીને લગતા નિયમોનું પાલન કરવું હોય તો બધી જ અરજીઓ ઓનલાઇન કર્યા પછી ફાઇલોનો થપ્પો બનાવી કચેરીમાં રૂબરૂ આપવા તો જવું પડે છે. સરકારી તંત્ર પણ ડબલ કામગીરી કરે છે. ઓનલાઇન પરવાનગી આપ્યા પછી આવેલી ફાઇલની ચકાસણી કર્યા બાદ અરજદારને રૂબરૂ કે ટપાલમાં જવાબ તો આપવો જ પડે છે. બિનખેતીની ફાઇલોના કાગળિયા એટલા હોય છે કે એક માણસ ફાઇલ ઉપાડતાં થાકી જાય છે. આ બધા જ આધારો અપલોડ કરવા પડે છે અને ગામડામાં તો ઇન્ટરનેટની વ્યવસ્થા કેવી છે એ સૌ કોઇ જાણે છે. દિવસોની પ્રક્રિયા બાદ ઓનલાઇન અરજી થયા બાદ કલેક્ટર કચેરીમાં અરજદારોને એ તમામ કાગળો પહોંચાડવા રૂબરૂ કચેરીમાં જવું પડે છે, ત્યારે અરજદારો પોતાનો બળાપો કાઢતાં કહે છે કે જે તે કચેરીમાં એક જ જગ્યાએ અગાઉ વ્યવસ્થા હતી ને હવે નવા-નવા નિયમો થકી પાયમાલી તો અમને ભોગવવી પડે છે તો શા માટે આવી વ્યવસ્થા કરવામાં આવી છે. વર્ષે અઢી લાખનો ધંધો કરતા ગામડાના અરજદારને ફૂડનું લાયસન્સ મેળવવા જો નાકે દમ આવી જાય તો આ વ્યવસ્થા કેવી હશે એ વિચારવા જેવું છે. નવું ડ્રાઇવિંગ લાયસન્સ કઢાવવા પણ અરજદારને ઓનલાઇન અરજી કરવી પડે છે. મોટાભાગના અરજી કરવાનું ટાળે છે એટલે એજન્ટને પકડે. હવે સ્વાભાવિક છે કે મહેનત કરનારા પોતાનું મહેનતાણું તો લેવાના છે. અગાઉ પાંચસો-હજારમાં કામ પતી જતું હતું તેની રકમ પાંચગણી વધી ગઇ છે ને અચ્છે દિનના ગાણા ગાતા રાજનેતાઓ લોકોની આ સમસ્યાને વાયા આપવાને બદલે મૌન છે એ હકીકત છે. 

© 2020 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer