રસ્તાની ગુણવત્તાના ટેન્ડર જિલ્લે જિલ્લે અલગ ?

રસ્તાની ગુણવત્તાના ટેન્ડર જિલ્લે જિલ્લે અલગ ?
વિશ્વનાથ જોશી દ્વારા-
દયાપર (તા. લખપત), તા. 13 : ભચાઉથી આગળ કોઇ પણ હાઇવે પરથી અમદાવાદ, પાલનપુર કે રાજકોટ જાવ ફોર વ્હીલ ગાડીમાં પાણીનો ગ્લાસ હાથમાં હોય તો ઢોળાય નહીં તેવા મજાના ડામર રસ્તાઓ છે. ખરાબ થાય તો ત્વરિત મરંમત કાર્ય પણ થઇ જતું હોય છે. ભુજથી પશ્ચિમ કે અન્યત્ર જાવ તો ભંગાર હાઇવે જોઇને એવું લાગે કે શું અલગ અલગ જિલ્લામાં રસ્તાની ગુણવત્તાના ટેન્ડર અલગ અલગ હશે. ભુજ-લખપત હાઇવે વર્ષોથી ચોપડા પર બોલતો હતો, પરંતુ ઘડુલીથી લખપત હાઇવે હતો જ નહીં. સિંગલ પટ્ટીનો રોડ દસેક વર્ષ પહેલાં હાઇવે બન્યો, પણ વચ્ચે આવતાં નાળાંઓ 30 વર્ષ પહેલાંની ડિઝાઇનમાં યથાવત રહ્યાં. અગાઉ 15થી 20 ટનની ક્ષમતાવાળી ટ્રકો પસાર થતી હતી. હવે 35 ટનવાળી ટ્રક આ રસ્તા પરથી પસાર થાય છે. આ ગરનાળાના પાઇપો કેટલા સમય આટલું વજન સહન કરશે તે પ્રશ્ન છે. ગુજરાતભરના હાઇવે રસ્તાઓ પર વળાંક, ભયસૂચક, શાળા, દવાખાનું વિગેરે સંકેત આપતાં પાટિયાં જોવા મળે છે. ડિવાઇડર, તેમાં ફૂલઝાડ વિગેરે, પરંતુ અહીં તો આવું કંઇ નથી. હા, બિનવારસુ ઢોર જોવા મળે ! ભુજથી મથલ સુધી હાઇવે રોડ હતો, જેને 1995 પછી દયાપર સુધી લંબાવાયો. હવે લખપત સુધી હાઇવે રોડ છે, પરંતુ હાઇવે રોડની બંને બાજુ વરસાદમાં ધોવાણ થતાં રહે છે. પાંચ વર્ષમાં કોઇ મરંમત નથી. રસ્તાની બંને બાજુ જંગલી ઝાડી ઊગી      નીકળી છે. સાતેક વર્ષ પહેલાં દયાપર-વિરાણી-ઘડુલીમાં તેમજ અન્ય હાઇવે પરનાં ગામડાંમાં સર્વે કરાયો હતો. એક આખી ટીમ અહીં ઊતરી હતી અને દરરોજ કેટલા વાહન પસાર થાય છે તેનું રજિસ્ટ્રેશન થતું હતું. સાત વર્ષ પછી આ રોડને ફોરલેન કરવો કે નહીં ? તેનો કોઇ જવાબ લોકોને મળતો નથી. માર્ગ મકાન બાંધકામ (સ્ટેટ) દ્વારા દયાપર, ઘડુલી, વિરાણી વિગેરે હાઇવે પર ગામડાઓમાં રોડથી 40 મીટરની મર્યાદામાં આવી જતા કાયદેસર બાંધકામ હોવા છતાં તેનો સર્વે કરી નોટિસો અપાઇ હતી. જે દેશલપર ખાતે કામ થયું તેના પછી આગળ વધ્યું નહીં...! નખત્રાણા - લખપત -અબડાસા વિસ્તારના ધારાસભ્ય હંમેશાં ઉપરની સરકાર હોય તેના વિરોધપક્ષમાં હોય છે. આ પ્રશ્ન પણ ઘણીવાર નડે છે, જેના કારણે નખત્રાણાથી લખપત હાઇવે ફોરલેન તો ઠીક પણ મરમંત પણ થઇ શક્તો નથી. ભુજ-લખપત હાઇવે માટે મંજૂર થયેલી રકમ બાબતે કોઇ વિરોધપક્ષના ધરાસભા સત્તાપક્ષનો આભાર માને તેવું આ વિસ્તારમાં પહેલી વખત બન્યું...! ખેર, ધારાસભ્યાના નિષ્ઠાપૂર્વકના પ્રયત્નો અને રાજ્ય સરકારના હકારાત્મક અભિગમને કારણે રસ્તાનું કામ મંજૂર થયું. 37 કરોડના ખર્ચે રોડનું મરંમતકાર્ય હાથ ધરાશે. જો કે આ કામ નખત્રાણાથી માતાના મઢ સુધીનું છે, પરંતુ આ કામ નવરાત્રિ પહેલાં થયું હોત અને જંગલી ઝાડી દૂર કરાઇ હોત તો પદયાત્રીઓને સુવિધા પ્રાપ્ત થાત. મરંમતકાર્ય ભલે થાય પરંતુ હવેના સમયમાં વાહનવ્યવહાર વધ્યો છે ત્યારે આ રસ્તાને ફોરલેન કે થ્રી લેન કરાય તો પણ સારું. કારણ કે સાંજના સમયે ફુલ ટ્રાફિક હોય છે. આર્ચિયનમાંથી નમક પરિવહન કરતી મોટી ગાડીઓ, ઉમરસર, માતાના મઢથી લિગ્નાઇટ અને બે ઉદ્યોગમાંય સિમેન્ટ પરિવહન કરતા વાહનોની અવર-જવર વધી છે. કોઇ વાહનથી સાઇડ કાપીને આગળ વધવું હોય તો સામેથી વાહનોની કતાર ચાલુ હોય છે. સારી ગાડી હોવા છતાં ટ્રકની પાછળ પાછળ 50/60ની સ્પીડ પર ચલાવવી પડે છે. તેમાંય ભુજથી દેશલપર સુધી અસંખ્ય જમ્પ કમર તોડી નાખે છે. દયાપરથી ભુજ 110 કિ.મી.નું અંતર કાપવા અઢીથી ત્રણ કલાકનો સમયગાળો જાય છે. વારંવાર ભારે ગિયરમાં નાખતાં ઇંધણ વધુ વપરાય છે. વર્ષોથી ભુજ-લખપત ફોરલેન થાય તેવાં સ્વપ્નાં લોકો જોતાં આવ્યાં છે પણ ઘડુલી-સાંતલપુર રોડની જેમ આ સપનાં પૂરાં થતાં નથી. અહીં આટલા મોટા ઔદ્યોગિક એકમો હોવા છતાં ગુજરતાના અન્ય વિસ્તારોની સરખામણીએ કશુંય નથી. રાજકીય આગેવાનોએ પણ આ બાબતે યોગ્ય રજૂઆતો કરવી જોઇએ. 

© 2020 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer