અદાણી મેડિકલ કોલેજ પ્રોફેસરોની ઘટ ન નિવારતાં નારાજગીએ હડતાળનું રૂપ લીધું

અદાણી મેડિકલ કોલેજ પ્રોફેસરોની ઘટ ન નિવારતાં નારાજગીએ હડતાળનું રૂપ લીધું
ભુજ, તા.13 : અદાણી મેડિકલ કોલેજ સંચાલિત જી. કે. જનરલ હોસ્પિટલના રેસિડેન્ટ તબીબોની માંગણીઓ ન નિવારાતાં આજે હડતાળનું રૂપ ધરતાં વહીવટીતંત્ર દર્દીઓને મુશ્કેલી ન પડે તે માટે જરૂરી પગલાં ભરવા સાબદું બન્યું હતું. 94 જેટલા રેસિડેન્ટ ડોક્ટરોએ હડતાળ પાડી તે સંદર્ભે નેતૃત્વ લેનારા ડો. રિશી રબારીને પૂછતાં તેમણે ત્રણ માંગ વિશે કહ્યું કે, ઘણાં વર્ષોથી કહીએ છીએ કે એમબીબીએસ અને સિનિયર ફેકલ્ટીમાં પ્રોફેસર હોવા જોઈએ તે નથી જેથી અભ્યાસને અસર પહોંચે છે. એમસીઆઈના ઈન્સ્પેક્શન વખતે જ પ્રોફેસરો દેખાય છે. મોટા ભાગના સ્થાનિક પ્રોફેસરો પચીંગ કરી ખાનગી પ્રેક્ટિસ કરે છે.  સ્ટાઈપેન્ડનું બાકી એરિયર્સ નથી આપતા, હોસ્પિટલમાં સલામતી માટે સ્ટાફની માંગ નથી સંતોષાતી, 80 દર્દી વચ્ચે એક પેશન્ટ કેર એટેન્ડન્ટ મૂકે છે. નર્સની પણ ઘટ નથી નિવારાતી. આ બાબતે ડીનને આવેદનપત્ર હોસ્પિટલ મેનેજમેન્ટ જોગ આપ્યું છે. દરમ્યાન ડીન ડો. ગુરદાસ ખીલનાનીએ રેસિડેન્ટ તબીબોને ઉદ્દેશીને પાઠવેલા પત્રમાં તેમની માંગણી સહાનુભૂતિપૂર્વક સંતોષવા હોસ્પિટલ તંત્ર પૂરતું ધ્યાન આપશે એવી હૈયાધારણ આપી હતી. કચ્છના દર્દીઓના હિતમાં ફરજ ઉપર હાજર થઈ જવા અનુરોધ કર્યો હતો. બીજી તરફ હોસ્પિટલના વહીવટી તંત્રે તમામ સિનિયર તબીબોને ફરજ ઉપર હાજર રહેવા તાકીદ કરી દેવામાં આવી છે. એટલું જ નહિ જો જરૂરિયાત ઉભી થઈ તો બહારના તથા ભુજના નિષ્ણાત અને નામાંકિત તબીબોની સેવા લેવા કાર્ય યોજના ઘડી કાઢ્યો હોવાનું યાદીમાં જણાવ્યું હતું. દરમ્યાન કોંગ્રેસના પ્રદેશ મંત્રી રફીક મારાએ યાદીમાં જણાવ્યું કે, હોસ્પિટલમાં ડોક્ટર નથી, દવા નથી, સાધન સામગ્રી નથી તેથી દર્દીઓને તકલીફ પડે છે. તેવી રજૂઆતોને આ હડતાળથી પુષ્ટિ મળી છે. 94 તબીબોની હડતાળને ગંભીર મુદો ગણાવી જવાબદારો સામે કાર્યવાહી કરવા અનુરોધ કર્યો હતો.

Crime

© 2021 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer