હાર્ટ એટેક માંદગી નથી, કોઈને પણ આવે

હાર્ટ એટેક માંદગી નથી, કોઈને પણ આવે
ભુજ, તા. 13 : હૃદયરોગના વિશેષજ્ઞ 85 વર્ષીય ડો. રમેશ કાપડિયાએ ભુજ ખાતે હાર્ટ એટેક અંગે વિસ્તૃત માર્ગદર્શન આપ્યું હતું. ભુજ લાયન્સ કલબ દ્વારા યોજાયેલા એક કાર્યક્રમમાં અમદાવાદ ખાતે 55 વર્ષથી હૃદયરોગ નિષ્ણાત તરીકે સેવા આપતા ડો. કાપડિયા કહે છે કે હાર્ટએટેકથી ડરવાની જરૂર નથી. કારણ આ કોઈ બીમારી નથી એક વલણ છે જે કોઈને પણ આવી શકે છે. કચ્છના સાંસદ વિનોદભાઈ ચાવડાની ઉપસ્થિતિમાં યોજાયેલા કાર્યક્રમમાં એક સમયે અમેરિકા વસી ગયેલા ડો. કાપડિયાને તત્કાલીન વડાપ્રધાન મોરારજીભાઈ દેસાઈએ પરત અમદાવાદ બોલાવ્યાને તેમણે શરૂ કરેલી સેવા આજે પણ અવિરત છે તેવું પરિચય આપતા પ્રોજેક્ટ ચેરમેન અને જાણીતા દાતા યોગેશભાઈ દોશીએ જણાવ્યું હતું. મોટી સંખ્યામાં ઉપસ્થિત લોકોને સંબોધતા ડો. કાપડિયા એ કહ્યું કે 1976માં સમગ્ર વિશ્વમાં હૃદયરોગ ક્ષેત્રે અમેરિકાનો પ્રથમ ક્રમ હતો અને ભારતનો ચૌદમો ક્રમ હતો. છેલ્લા થોડાં વર્ષોથી ભારત પ્રથમ ક્રમે છે અને અમેરિકા પંદરમા ક્રમે! આપણા દેશ માટે આ ચિંતાની વાત છે. ખાસ કરીને નવયુવાનોને આ રોગ વધારે થાય છે. એટલે તેની વિશેષ ચિંતા છે. તેમણે કહ્યું હૃદય રોગથી ડરવા જેવું નથી. તે મટાડી શકાય છે અને ખાસ વાત એ છે કે, તે અટકાવી શકાય છે. અમેરિકામાં આજે 60થી 70 ટકા હૃદયરોગની સર્જરી ઓછી થઈ ગઈ છે. ડો. કાપડિયાએ પોતાના વિશાળ અનુભવમાંથી અનેક દૃષ્ટાંતો આપીને સમજાવ્યું કે, વ્યક્તિ જો હાર્ટએટેક પછી ચારથી છ અઠવાડિયા આરામ કરે અને મનનો ભય કાઢી નાખે તો હૃદય રૂઝાવાનું શરૂ થાય છે અને પછી દર્દી દવાઓ નિયમિત લે તો એ  સ્વસ્થ રીતે કાર્યરત રહીને લાંબું જીવી શકે છે. હવે નવી દવાઓ સરસ આવી છે. આ દવાઓ બહુ ખર્ચાળ પણ નથી. મહિને માત્ર 700થી 800 રૂપિયાનો ખર્ચ આજે કરવો પડે. આ દવાઓ નિયમિત લેવાથી અને જીવન પદ્ધતિમાં જરૂરી ફેરફાર કરવાથી વ્યક્તિ સુંદર રીતે લાંબું જીવી શકે અને હાર્ટ એટેક અટકાવી શકે તે આજે પુરવાર થયું છે. 25-30 વર્ષના યુવાનોને જો એલ.ડી.એલ. કોલેસ્ટેરોલ સો?ઉપર રહેતું હોય તો સ્ટેટીન તેની યોગ્ય માત્રમાં આપી શકાય. ઘણાને આ વાત ગળે નથી ઉતરતી પણ અમેરિકાએ પ્રયોગ કરીને સાબિત કર્યું છે. ડો. કાપડિયા એક વાત એ કરી કે જે સ્વસ્થ હોય, સેવાકીય-પરોપકારના કાર્યો કરતો હોય, બિલકુલ સ્વસ્થ અને કાર્યરત-પ્રવૃત્ત હોય તેને જ હાર્ટ એટેક આવી શકે છે. માંદાને ન આવે. તેમણે સમજાવ્યું કે હાર્ટ એટેક એ માંદગી નથી પણ એક વલણ છે તે કોઈને પણ આવી શકે છે. ડો. કાપડિયાએ છેલ્લે સૌથી અગત્યની વાત એ કરી કે હવે હાર્ટ એટેકનો કોઈ જ ભય રાખવાની જરૂર નથી. તે હવે પાળેલું કુરકુરિયું બની ગયો છે. તમારું એલ.ડી.એલ. 70થી ઓછું રાખો, હૃદયની ક્ષમતા 40 ઉપર હોય, નિયમિત વ્યાયામ કરાય, ખોરકમાં મેંદો, ચોખાની વસ્તુઓ, સાકર, તેલ, ઘીની માત્રા ઘટાડાય તો હાર્ટ એટેક અટકાવી શકાય છે. આ ઉપરાંત જરૂરી દવાઓ નિયમિત લેવાની રહે. કલબ પ્રમુખ પ્રફુલ્લ શાહ, હોસ્પિટલ ચેરમેન ભરત મહેતા, મંત્રી શૈલેન્દ્ર રાવલ, ખજાનચી શૈલેશ ઠક્કર, રમેશભાઈ સંઘવી, અભય શાહ, નવીન મહેતા, ધર્મેન્દ્ર બારમેડા, સુબોધ ઠક્કર, સચિન બુદ્ધભટ્ટી, ડો. સંજય ઉપાધ્યાય દ્વારા ડો. કાપડિયા તેમજ સાંસદ વિનોદભાઈનું બહુમાન કરવામાં આવ્યું હતું. સંચાલન આભારવિધિ ચેરમેન જિતેન ઠકકરે કર્યા હતા.

© 2020 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer