વનતંત્રે સીઝ કરેલા કોલસાના જથ્થામાં આગ : રહસ્યમય પ્રકરણ વધુ ધૂધળું બન્યું

વનતંત્રે સીઝ કરેલા કોલસાના જથ્થામાં આગ : રહસ્યમય પ્રકરણ વધુ ધૂધળું બન્યું
ભુજ, તા. 13 : સાત માસ પૂર્વે પૂર્વ કચ્છ વન વિભાગે ભુજ-માધાપરના ધોરીમાર્ગના વાડા પર ધોંસ બોલાવી રૂા. 9.40 લાખનો ગેરકાયદે સંગ્રહાયેલો કોલસો ત્યાં જ સીઝ કર્યો હતો. આ માલ કાયદેસરનો હોવાનો દાવો ત્યારથી જ માલના માલિક કરી રહ્યા હોવાથી આ પ્રકરણ રહસ્યમય રહ્યું હતું તે વચ્ચે આજે આ કોલસામાં  આગ લાગતા અંદાજે રૂા. એકાદ લાખનો કાળો માલ બળીને રાખ થઇ ગયો છે. અને આગના ધુમાડા વચ્ચે આ રહસ્યમય પ્રકરણ વધુ ઘૂંટાવા સાથે ધૂંધળું બની રહ્યું છે. ભુજ-માધાપરના ધોરીમાર્ગ પરના વશીલા ગેરેજથી ગીતા માર્કેટના પાછળના ભાગે આવેલા જીગર પી. ચંદે નામના કોલસાના વેપારીના વાડામાં આ જથ્થો એપ્રિલ માસમાં સીઝ કરી ત્યાં જ રાખવામાં આવ્યો હતો. દરમ્યાન આજે સવારે આ વાડામાં આગ લાગી હોવાની જાણકારી મળતાં જ ભુજ નગરપાલિકાની અગ્નિશમન દળ ટીમ સાથે પહોંચી આગ પર કાબૂ મેળવ્યો હતો. પરંતુ આ આગમાં સીઝ કરાયેલા જથ્થામાનો અંદાજે એકાદ લાખનો કોલસો બળીને ખાખ થઇ ગયો હતો. દરમ્યાન આ માલના માલિક જીગર ચંદે આ સમગ્ર પ્રકરણ બાબતે નાયબ વનસંરક્ષકને પત્ર પાઠવી જણાવ્યું છે કે, આ માલ અમારો કાયદેસરનો છે અને આખા ચોમાસા દરમ્યાન તેમજ આજે લાગેલી આગથી અમને નુકસાન થયું છે, તેનો દાવો કરવા અમારો અબાધિત હક્ક છે. ઉપરાંત અનેક અરજીઓ-રજૂઆત કરવા છતાં છેલ્લા સાત મહિનાથી સીઝ કરાયેલા આ જથ્થાની હજુ સુધી  વનતંત્રના અધિકારીઓએ ચાર્જશીટ પણ કરી નથી. પોલીસ ખાતામાં નિયત સમયમાં ચાર્જશીટ ન કરવા બદલ જમાદારને સસ્પેન્ડ કર્યાના દાખલા ટાંકી આ પ્રકરણમાં પણ?જવાબદારોની બેદરકારી બદલ પગલાં લેવાની માંગ કરી છે. બીજી તરફ આ બાબતે પૂર્વ કચ્છ વન વિભાગના ડીએફઓ પ્રવીણસિંહ વિહોલનો સંપર્ક સાધતાં તેમણે જણાવ્યું હતું કે, સાત માસ પૂર્વે સંગ્રહસ્થાન અંગે વન અધિનિયમની 1927ની કલમો તળે લેવાની થતી મંજૂરી લીધી ન હોવાથી જથ્થો સીઝ કર્યો હતો. ત્યારબાદ આ માલના માલિકે નિવેદન આપવા અસહકાર આપતાં હજુ સુધી ચાર્જશીટ ન થઇ?હોવાનું જણાવી વધુમાં ઉમેર્યું હતું કે, આજે લાગેલી આગ તેઓના વાડામાં લાગી છે તો માલિકે પોલીસમાં ફરિયાદ કયા કારણસર નથી નોંધાવી તેવો સવાલ કર્યો હતો. દરમ્યાન આજની આ આગના ધુમાડાની જેમ જ આ પ્રકરણ વધુ ઘૂંટાઇ ધૂંધળું બનવા લાગ્યું છે. દરમ્યાન આજે સવારે લાગેલી આ આગને બુઝાવા ભુજ નગરપાલિકાના ફાયર બ્રિગેડની ટીમના જિજ્ઞેશ જેઠવા, વિશાલ ગોર, મહેશ લોહરા અને જય ભટ્ટીએ આગ બુઝાવવાની કામગીરી કરી હતી.

© 2020 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer