અંતરજાળમાં બ્રહ્મલીન સંતનો નિર્વાણતિથિ મહોત્સવ ઊજવાયો

અંતરજાળમાં બ્રહ્મલીન સંતનો નિર્વાણતિથિ મહોત્સવ ઊજવાયો
અંતરજાળ (તા. ગાંધીધામ), તા. 13 : અહીંના નીલકંઠ ધામના મહંત અજરણગિરિ બાપુનો 17મો નિર્વાણ મહોત્સવ ધામધૂમથી ઊજવાયો હતો. સવારે સમાધિપૂજન, આરતી, મહાપ્રસાદ બાદ સંધ્યા સમયે ઐતિહાસિક સંતવાણીનો પ્રારંભ થયો હતો. જેમાં કચ્છ સૌરાષ્ટ્ર ગુજરાતના 15 જેટલા નામાંકિત કલાકારોએ સવાર સુધી સંતવાણીની મોજ કરાવી હતી. કચ્છ ગુજરાતના સંતો, મહંતો, ભગવતીદેવીઓ ઉપસ્થિત રહ્યા હતા. જૂનાગઢના જીનામ અખાડાના ભરત દાદા સહિતના સંતોએ જણાવ્યું કે, યાચના, સાધન વગર અગવડતા વચ્ચે પૂ. અજરણગિરિ બાપુએ કચ્છ-ગુજરાતના ગામડે ગામડે સંતવાણીની આહલેક જગાડી હતી. ભજન અને ભોજન જેનું જીવનમંત્ર હતું તેવા કચ્છના કાનદાસ બાપુની ઓળખ ધરાવતા હતા. તેમના આ જીવનમંત્રને વર્તમાન ગાદીપતિ અને ભજનિક જીતુગિરિ બાપુએ પરંપરા ચાલુ રાખી છે. આજના અવસરનો હજારો સેવકોએ ધર્મલાભ લીધો હતો. ગામના મંદિરોને રોશનીથી શણગારવામાં આવ્યા હતા. સંતો-સેવકોના સન્માન તેમના પરિવાર દ્વારા કરાવામાં આવ્યા હતા. અંતરજાળ  ગામ `ગીરનારી'ના જયનાદ સાથે ગુંજી ઊઠયો હતો. અશ્નિગિરિ વિપુલગિરિ તથા સેવકોએ વ્યવસ્થા સંભાળી હતી.

© 2020 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer