ભારત-બાંગ્લાદેશની વચ્ચે આજથી પ્રથમ ટેસ્ટ

ઇન્દોર, તા. 13: ભારત અને બાંગ્લાદેશ વચ્ચે આવતીકાલથી ટેસ્ટ શ્રેણીની શરૂઆત થઈ રહી છે. પ્રથમ ટેસ્ટ મેચ આવતીકાલથી ઇન્દોરમાં શરૂ થઈ રહી છે. વિરાટ કોહલીનાં નેતૃત્વમાં ભારતીય ટીમ આ ટેસ્ટ મેચમાં જોરદાર દેખાવ કરવા માટે સંપૂર્ણપણે સજ્જ છે. ટ્વેન્ટી શ્રેણી જીતી લીધા બાદ હવે ટેસ્ટ શ્રેણીમાં પણ ધરખમ દેખાવ કરવા માટે ટીમ ઇન્ડિયા તૈયાર છે. છેલ્લી શ્રેણીમાં રોહિત શર્માએ ઓપાનિંગ બેટ્સમેન તરીકેની સમસ્યાને દૂર કરી હતી. આવી સ્થિતિમાં વર્તમાન શ્રેણીમાં ભારતને વધારે તકલીફ દેખાઈ રહી નથી. રોહિત શર્મા અને મયંક અગ્રવાલની જોડી ઓપાનિંગમાં બાટિંગ કરશે ત્યારબાદ વિરાટ કોહલી અને ચેતેશ્વર પુજારા જેવા બેટ્સમેન મેદાનમાં ઉતરીને ભારતની સ્થિતિને મજબૂત કરવા પ્રયાસ કરશે. બાંગ્લાદેશની સામે શરૂ થતી ટેસ્ટ શ્રેણીને લઇને તમામ તૈયારીઓ કરી લેવામાં આવી છે. આ વર્ષે 12મી સપ્ટેમ્બરના દિવસે આફ્રિકા સામે ટેસ્ટ શ્રેણીની જાહેરાત કરવામાં આવી ત્યારે ઉમેશનું નામ રાષ્ટ્રીય ટીમના બદલે બોર્ડ પ્રેસિડેન્ટ ઇલેવનમાં રાખવામાં આવ્યું હતું. ઉમેશ યાદવે ટેસ્ટ શ્રેણીમાં અને પોતાની કેરિયરમાં અનેક ઉતારચઢાવ નીહાળ્યા છે. આવા સમયમાં તેની પાસેથી આ શ્રેણીમાં પણ સારા દેખાવની અપેક્ષા રાખવામાં આવી રહી છે. પોતાની નવ વર્ષની કેરિયરમાં ઉમેશ યાદવે મોટાભાગે સારો દેખાવ કર્યો છે. વેસ્ટઇન્ડિઝની સામે હૈદરાબાદમાં 10 વિકેટ લીધી હતી. જસપ્રિત બુમરાહ ઇજાગ્રસ્ત થયા બાદ ઉમેશને ટીમમાં સામેલ કરવામાં આવ્યો હતો. દક્ષિણ આફ્રિકાના ખેલાડીઓ પણ ઉમેશની પ્રશંસા કરી ચુક્યા છે. બીજી બાજુ ભારત અને બાંગ્લાદેશ વચ્ચે આવતીકાલથી હોલ્કર સ્ટેડિયમમાં શરૂ થતી ટેસ્ટ મેચ પહેલા મધ્યપ્રદેશ ક્રિકેટ એસોસિયેશનના ચીફ ક્યુરેટરનું કહેવું છે કે, પાંચ દિવસીય  ટેસ્ટ મેચ માટે લાઈવ વિકેટ તૈયાર કરવામાં આવી છે. ટેસ્ટ ક્રિકેટની જરૂરિયાતને ધ્યાનમાં લઇને વિકેટ બનાવવામાં આવી છે. આ વિકેટમાં બોલરો અને બેટ્સમેન બંને માટે કંઇને કંઇ રાખવામાં આવ્યું છે. બંને ટીમો વચ્ચે જોરદાર ટક્કર જોવા મળી શકે છે. ટેસ્ટ મેચ દરમિયાન જો વરસાદ થાય છે તો મેદાનને બચાવી લેવા માટે પણ વ્યવસ્થા કરવામાં આવી છે.  ઉમેશ યાદવ ઉપર તમામની નજર રહી શકે છે. બીજી બાજુ ભારતના અન્ય બોલરો પાસેથી પણ સારા દેખાવની અપેક્ષા રાખવામાં આવી રહી છે. મોમીનુલ હકનાં નેતૃત્વમાં બાંગ્લાદેશની ટીમ સારો દેખાવ કરવા માટે તૈયાર છે. મેચનું પ્રસારણ સવારે શરૂ થશે. બંને ટીમો નીચે મુજબ છે. ભારતની ટીમ : વિરાટ કોહલી (કેપ્ટન), મયંક અગ્રવાલ, રવિચંદ્રન અશ્વિન, જાડેજા, કુલદીપ યાદવ, મોહમ્મદ સામી, રિષભ પંત, ચેતેશ્વર પુજારા, રહાણે, સહા, ઇશાંત શર્મા, રોહિત શર્મા, શુભમન ગિલ, હનુમા વિહારી, ઉમેશ યાદવ બાંગ્લાદેશની ટીમ : મોમીનુલ હક, અબુ જાયદ, અલ અમીન હુસૈન, અબદુત હુસૈન, ઇમરુલ કેયાસ, લિન્ટન દાસ, મહેમુદુલ્લા, મહેંદીહસન, મોહમ્મદ મિથુન, મોસાદક હુસૈન, રહીમ, મુસ્તફીર રહેમાન, નઇમ હસન, શેખ હસન, શદમન ઇસ્લામ, તેજુલ ઇસ્લામ. 

© 2020 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer