`મેદાન નહીં, પ્રદર્શનનાં બળે જીત મળે''

ઇંદોર, તા. 13 : પ્રવાસી બાંગલાદેશ સામે પ્રથમ ટેસ્ટની પૂર્વ સંધ્યાએ બુધવારે ટીમ ઇન્ડિયાના સુકાની વિરાટ કોહલીએ અહીં પત્રકાર પરિષદને સંબોધતાં જણાવ્યું હતું કે, ભલે ટીમ ઇંદોરમાં રમે કે બીજે કયાંક, પરંતુ જીત પ્રદર્શનનાં બળ પર જ મળે છે. વિરાટે 2014 ઇંગ્લેન્ડ પ્રવાસ પછીના મુશ્કેલ સમયને યાદ કરતાં કહ્યું હતું કે, એ સમય એવો દોર હતો, જ્યારે મારાં મનમાં બહુ નકારાત્મક વિચારો આવતા હતા. માનસિક સ્વાસ્થ્યના મુદ્દા ખૂલીને ઉઠાવવા માટે કોહલીએ ઓસ્ટ્રેલિયાના ખેલાડી ગ્લેન મેકસવેલનાં વખાણ પણ કર્યાં હતાં. ભારત પહેલીવાર કોઇ ડે-નાઇટ ટેસ્ટનું યજમાન છે. કોલકાતામાં બીજો ટેસ્ટ મુકાબલો પિંક બોલથી રમાશે, ત્યારે વિરાટે જણાવ્યું હતું કે, પિંક બોલથી રમવામાં થોડી મુશ્કેલી પડી શકે છે. ટેસ્ટ ક્રિકેટને સૌથી ઉપર રાખવા માટે મારા વિચાર એવા છે કે, લોકોને સ્ટેડિયમ સુધી પહોંચીને મેચ જોવા પ્રેરિત કરવા માટે કમ સે કમ પાંચ ટેસ્ટ સેન્ટર હોવાં જેઇએ, તેવું ભારતીય ટીમના સુકાનીએ ઉમેર્યું હતું. તેણે કહ્યું હતું કે, કોઇપણ ટીમને નબળી આંકવી જોઇએ નહીં. કોઇપણ ટીમ સારું પ્રદર્શન કરી શકે છે. બાંગલાદેશી બોલરો ઘણું સારું રમી રહ્યા છે. મને લાગે છે કે, જે પ્રકારે ભરોસો, આત્મવિશ્વાસ તેમજ ખેલાડીઓ વચ્ચે આપસમાં સમજણ છે, તેનાં જ બળે ટીમ ઇન્ડિયા લગાતાર પ્રભાવશાળી પ્રદર્શન કરી રહી છે તેવું કહેતાં બોલરોની પણ પ્રશંસા કરી હતી. 

© 2020 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer