હોંગકોંગ ઓપન : સિંધુ અને પ્રણોયની જીત

હોંગકોંગ, તા. 13 : વિશ્વ ચેમ્પિયન શટલર પીવી સિંધુ અને એચએસ પ્રણોયે જીત સાથે શરૂઆત કરી છે. જ્યારે ભારતીય બેડમિંટ સ્ટાર સાઈના નેહવાલ અને સમીર વર્મા હોંગકોંગ ઓપનના પહેલા જ દોરમાં હારીને બહાર થયા છે. સિંધુ છેલ્લી અમુક ટૂર્નામેન્ટમાં પહેલા દોરમાં જ હારીને બહાર થઈ હતી. જો કે હોંગકોંગ ઓપનમાં કોરિયાની કિમ ગા યૂનને 21-15, 21-16થી હરાવી હતી. હવે સિંધુનો સામનો થાઈલેન્ડની બુસાનન ઓંગબામરુંગફાન સામે થશે.  સિંધુ ઉપરાંત એચએસ પ્રણોયે શાનદાર પ્રદર્શન કરતા પુરૂષ એકલના બીજા દોરમાં જગ્યા બનાવી હતી.  પ્રણોયે ચીનના હુઆંગ યુ શિયાંગને પછાડયો હતો. પ્રણોયે સીધા સેટમાં 21-17, 21-17થી જીત નોંધાવીને બીજા દોરમાં પ્રવેશ કર્યો હતો. પ્રણોયે મેચ જીતવા માટે 44 મિનિટનો સમય લીધો હતો.  બીજી તરફ સાઈના નેહવાલ છેલ્લી 6 ટૂર્નામેન્ટમાં પાંચમી વખત પહેલા જ દોરમાં હારી હતી. જાન્યુઆરી મહિનામાં ઈન્ડોનેશિયા માસ્ટર્સ જીતનારી સાઈનાને ચીનની કેઈ યાન યાને સતત બીજી વખત 21-13, 22-20થી હરાવી હતી. આ ઉપરાંત સમીરને 54 મિનિટ ચાલેલા મુકાબલામાં ચીની તાઈપેના વાંગ ઝુ વેઈ સામે 11-21, 21-13, 8-21થી હારનો સામનો કરવો પડયો હતો.  

© 2020 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer