જોકોવીચને હરાવી થીમની સેમીફાઈનલમાં એન્ટ્રી

લંડન, તા. 13 : ઓસ્ટ્રિયાના ડોમિનિક થીમે આક્રમક રમતનું પ્રદર્શન કરતા સ્ટાર પ્લેયર નોવાક જોકોવીચને હરાવીને એટીપી ફાઈનલ્સના સેમીફાઈનલમાં પ્રવેશ કરી લીધો છે. હવે સર્બિયાના ખેલાડી નોવાક જોકોવીચનો સામનો શૂટઆઉટમાં રોજર ફેડરર સામે થશે. ઓસ્ટ્રિયાના થીમે દુનિયાના બીજા ક્રમના ખેલાડીને 6-7, 6-3, 7-6થી હરાવ્યો હતો. જ્યારે છ વખતના ચેમ્પિયન રોજર ફેડરરે ઈટાલીના માતેઓ બેરેતિનીને 7-6, 6-3થી પછાડયો હતો. ફેડરર અને જોકોવીચ હવે એકબીજાની સામે હશે જે ગયા વર્ષના વિમ્બલ્ડનના ફાઈનલનો રિપ્લે બનશે. ફેડરર અને જોકોવીચના મેચ બાદ  સ્પષ્ટ થશે કે બ્યોર્ન બોર્ગ ગ્રુપમાંથી કોણ આગળ જશે. જોકોવીચની નજર છઠ્ઠા એટીપી ફાઈનલ્સનો ખિતાબ જીતી ફેડરરના રેકોર્ડની બરાબરી કરવા ઉપર છે. સાથે નંબર વન રેન્કિંગમાં નાડાલને પછાડવા ઉપર પણ નજર છે.  નાડાલને પહેલા મેચમાં જેવરેવે હરાવ્યો હતો. જ્યારે સ્ટીફાનોસ સિટસિપાસને દાનિલ મેદવેદેવે હાર આપી હતી.  

© 2020 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer