કચ્છમાં ડાયાબિટીસનું પ્રમાણ ઝડપથી વધે છે

કિશોર ગોર દ્વારા-  ભુજ, તા. 13 : 14મી નવેમ્બરનો દિવસ ભારતમાં પ્રથમ વડાપ્રધાન પંડિત જવાહરલાલ નેહરુની જન્મ જયંતી નિમિત્તે બાલદિન તરીકે ઊજવાય છે અને યોગાનુયોગ આ દિવસ વિશ્વ ડાયાબિટીસ દિવસ પણ છે. પ્રગતિની રાહ પર અગ્રેસર દેશના બાળકોનું ભાવિ ઉજ્જવળ છે એમાં કોઇ મીનમેખ નથી. આરોગ્ય, શિક્ષણ, અધિકારોની રક્ષા માટે કડક કાયદા બન્યા છે. ગામડાં સુધી અંગ્રેજી શિક્ષણ પહોંચ્યું છે. માહિતી ટેકનોલોજી અને ઉપકરણોની અસર હેઠળ આજનું બાળક સ્માર્ટ-ચાલાક બનતું જાય છે એ ખરું પરંતુ તનાવભરી જિંદગી, મેદાની રમતોનો અભાવ, જંકફૂડનું આકર્ષણ જેવા કારણસર બાળકોના આરોગ્ય સામે જોખમ સર્જાયું છે. નિષ્ણાતો કહે છે કે જે માતા કે પિતા અથવા બંનેને મધુપ્રમેહ છે તો તેમણે તેમના સંતાનોના આરોગ્યની વિશેષ કાળજી રાખવી આવશ્યક છે. આંતરરાષ્ટ્રીય ડાયાબિટીસ ફેડરેશનના જણાવ્યા મુજબ ભારત દુનિયાનું ડાયાબિટીસ મથક બનતું જાય છે. 2019 સુધી દેશમાં ડાયાબિટીક દર્દીઓની સંખ્યા 8 કરોડે પહોંચી જશે. જેમણે સુગર લેવલ ચેક નથી કરાવી એવા સંભવિતોની ગણતરી કરીએ તો આ આંક 11 કરોડને આંબી જશે. આ મામલે ચીન પછી ભારતનો ક્રમ બીજો છે. તબીબો કહે છે કે, 35 વર્ષની ઉમર પછી ખૂબ જ ભૂખ લાગે, તરસ લાગે તાળવું સૂકાય, વારંવાર પેશાબ કરવા જવું પડે,  હાથ-પગ સૂઇ જાય, ઝણઝણાટી થાય, અકારણ થાક લાગે. અનિદ્રા જેવું લાગે કે  આંખોમાં ઝાંખપ જેવા લક્ષણો જણાય તો તરત તબીબનો સંપર્ક કરી રકત પરીક્ષણ કરાવી લોહીમાં સુગરનું પ્રમાણ ચકાસાવી લેવું કે ડાયાબિટીસ ટાઇપ-બે તો નથી થયું ને.જી.કે. જનરલ હોસ્પિટલ ખાતે સરકાર સંચાલિત બિનચેપી રોગોના વિભાગ (એનસીડી ક્લિનિક)માં માત્ર ભુજના 3500 નિયમિત ડાયાબિટીસના દર્દીઓ સારવાર લે છે. સિવિલ સર્જન ડો. કશ્યપ બૂચે ભારતમાં 8 કરોડથી વધારે ડાયાબિટીસના દર્દીઓ અને તે પૈકી કચ્છમાં 40 હજાર જેટલા હોવાનો અંદાજ આપ્યો હતો. જો કે ખાનગી તબીબોના મતે કચ્છમાં મધુપ્રમેહના દર્દીનો આંક 50 હજારથી વધુ હોવાની સંભાવના છે અને આ રોગના દર્દી દિનબદિન વધી રહ્યા છે. આંખના નિષ્ણાત ડો. ફહીમ મન્સુરીએ જણાવ્યું કે, આંખનો પડદો નજર માટે મુખ્ય સ્રોત હોવાથી તે બગડે નહીં તેની પણ સાવચેતી રાખવી જરૂરી છે. હાડકાંના રોગના નિષ્ણાતોના મંતવ્ય મુજબ આવા દર્દીઓએ પગમાં વાગે નહીં તેની ખાસ કાળજી લેવી જોઇએ. હોમિયોપેથિક વિભાગના ડો. પ્રિયંકા ચૌધરીએ કહ્યું કે, ડાયાબિટીસ માટે દવા ઉપલબ્ધ છે. આહાર શાત્રી હીરવા ભોજાણીએ જણાવ્યું કે, ડાયાબિટીસ દર્દી હોસ્પિટલમાં દાખલ થાય તો તેમને એ મુજબનો ખોરાક અપાય છે. આયુર્વેદ શાખાના ડો. પીયૂષ ત્રિવેદીએ આમળા અને હળદરનું મિશ્રણ અત્યંત ઉપયોગી હોવાનું જણાવ્યું હતું. રોજ 20 જેટલા દર્દીઓ સારવાર લેવા આવતા હોવાનું ઉમેર્યું હતું. એનસીડી ક્લિનિક દ્વારા વાર્ષિક દોઢેક કરોડની દવા અને ઇન્સ્યુલીન મફત પૂરી પડાય છે. ઇન્સ્યુલીનના ડોઝ ડોક્ટર નક્કી કરે છે. - ડાયાબિટીસના બે પ્રકાર છે  ટાઇપ-1 ડાયાબિટીસ ત્યારે થાય છે જ્યારે શરીર ઇન્સ્યુલીન બિલકુલ બનાવી શકતું નથી. આ પ્રકારનો ડાયાબિટીસ સામાન્ય રીતે 40ની ઉંમર પહેલાં દેખાય છે. તેની સારવાર ઇન્સ્યુલીન ઇન્જેકશન દ્વારા થાય છે અને આહાર તેમજ નિયમિત કસરત કરવાની ભલામણ કરવામાં આવે છે. ટાઇપ-2 મધ્યવયસ્ક લોકો અથવા મોટી ઉંમરના લોકોમાં થાય છે. આ ડાયાબિટીસ ત્યારે થાય છે જ્યારે શરીર થોડું ઇન્સ્યુલીન બનાવી તો શકે પણ  પૂરતું ન હોય અથવા જે ઇન્સ્યુલીન બન્યું હોય એ બરાબર કામ કરતું ન હોય. આ પ્રકારનો ડાયાબિટીસ સામાન્ય રીતે 35થી 40 વર્ષથી વધુ ઉંમરના લોકોમાં થાય છે. જેમનું વજન વધારે હોય એવા લોકોને ટાઇપ-2 ડાયાબિટીસ થવાની સંભાવના વધારે હોય છે. વર્ષમાં એકવાર બ્લડપ્રેશર, લોહીમાં સુગર, લીપીડ પ્રોફાઇલ, કાર્ડિયોગ્રામ, આંખ સહિતની શારીરિક તપાસ કરાવવી હિતાવહ છે એમ એનસીડી સેલના વિપુલ દેવમુરારિએ જણાવ્યું હતું. સિવિલ સર્જન ડો. કશ્યપભાઇ બૂચ (ફિઝિશિયન) ચેતવે છે કે, માનસિક તાણ પણ ડાયાબિટીસનું કારણ બની શકે છે. ડાયાબિટીસ ટાઇપ-2 35 કે તે પછીની ઉંમરમાં જોવા મળે તો જીવનશૈલીમાં ફેરફાર કર.ઁ અડધો કલાક ચાલે, કસરત, યોગ, ધ્યાન કરે, ખાંડ, ગોળ, બટેટા જેવા ગળ્યા કાર્બોદિત પદાર્થોનો ત્યાગ કરે તો દવા વિના પણ સારું થઇ શકે છે. આજના હરીફાઇના યુગમાં મોબાઇલ, ઇન્ટરનેટ, કોમ્પ્યુટરનો ઉપયોગ મર્યાદિત કરવા, વ્યસનો ત્યજવા, નાના અંતરમાં વાહન ચલાવવાનું ટાળવું, વિદ્યાર્થી કાળમાં મેદાની રમતોનું પ્રમાણ વધારાય તો ડાયાબિટીસથી બચી શકાય.યોગ્ય સમયે ડાયાબિટીસનું નિદાન અને સમયસરની સારવાર લેવાય તો આંખ તેમજ જ્ઞાનતંતુ, હૃદય, કિડની ઉપર થતી અસરોથી બચી શકાય અને લાંબું જીવન જીવી શકાય. 

Crime

© 2020 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer