લાખેણી લકઝરીઓ સામે આખરે આરટીઓની લાલઆંખ

ભુજ, તા. 13 : અંજાર નજીક બેકાબૂ ખાનગી લક્ઝરી પલટી જતાં સર્જાયેલા અકસ્માત બાદ અત્યાર સુધી તંત્રો માટે લાખેણી રહેલી લક્ઝરી બસો સામે આખરે પોલીસની રાહ  જોયા વિના આરટીઓએ ચાર ચેક પોઈન્ટ પર ટીમ તૈનાત કરીને  કડક ચેકિંગ હાથ ધરતાં દિનભરના અંતે 15 કેસ કરવામાં આવ્યા હતા, 22 હજારની રિકવરી કરાઈ હતી તો એક મિની લક્ઝરી બસને ડિટેઈન કરવામાં આવી હતી. આરટીઓએ જણાવ્યું હતું કે જે ખાનગી લક્ઝરી બસોમાં મુસાફરો ઊભા-ઊભા મુસાફરી કરતાં જણાશે તે બસોને તાત્કાલિક જ સ્થળ પર ડિટેઈન કરી લેવાશે. દરમ્યાન, ભુજમાં પોલીસે ટ્રાફિક ઝુંબેશ કરીને સપાટો બોલાવ્યો હતો. ટ્રાફિક નિયમન અને વ્યવસ્થાના લીરા ઉડાડીને માર્ગો પર રીતસર `ઊડતા' ખાનગી પરિવહન વાહનોની બેખોફ અને બેલગામ સફર પર આજે આરટીઓએ અંકુશ લગાવવાનો પ્રયાસ કર્યો હતો. આરટીઓના આદેશથી કચ્છના ચાર મહત્ત્વના ચેક પોઈન્ટ શેખપીર સર્કલ, ભચાઉમાં લોધેશ્વર ચોકડી, કંડલા પોર્ટ અને મુંદરા નજીક મોખા ટોલ પ્લાઝા ખાતે આજથી જ ટીમ ખડકીને અવિરત ચેકિંગ હાથ ધરવામાં આવ્યું હતું. જેમજેમ દિવસ વીતતો ગયો તેમતેમ માર્ગો પર હવાને વીંધતી અને મુસાફરોથી છલોછલ જતી ખાનગી બસો અને જીપડા સહિતના વાહનો આ ચાર ચેક પોઈન્ટ પર અટકાવવામાં આવ્યા હતા. આરટીઓનો જાપ્તો બેસી ગયાની `ખબર' પડી ગઈ હોય એમ બપોર પછી વાહનો ઓછા મુસાફરો સાથે જણાયા હતા અને સાંજ સુધીમાં આ ચારે પોઈન્ટ પરથી `માત્ર' 15 વાહન ઝપટે ચડયા હતા. આ વાહનો પાસેથી 22 હજાર રૂપિયા રિકવરીના સ્વરૂપે વસૂલ કરવામાં આવ્યા હતા જ્યારે એક મિની બસને ડિટેઈન કરવામાં આવી હતી. આજની કાર્યવાહી અંગે આરટીઓ દિલીપ યાદવે જણાવ્યું હતું કે અંજાર બસ અકસ્માતને પગલે તેમના તરફથી ચાર ટીમને તૈનાત કરી દેવાઈ છે અને સમગ્ર કચ્છમાં સઘન કોમ્બિંગ હાથ ધરવામાં આવશે અને આગામી દિવસોમાં પણ આ કાર્યવાહી ચાલુ રહેશે. જાણકારોએ કહ્યું કે ખાનગી લકઝરી બસવાળાઓ તેમના વાહનમાં સીટ ભરાઈ ગયા બાદ પણ મુસાફરો ભરતા હોય છે જે ઊભા-ઊભા મુસાફરી કરતા હોય છે ત્યારે આરટીઓએ ચેતવણીજનક સૂરમાં જણાવ્યું હતું કે ચેકિંગ દરમ્યાન જો બસમાં આ રીતે મુસાફરો ઊભા-ઊભા સવારી કરતાં જણાશે તો તેવા વાહનને સ્થળ પર જ ડિટેઈન કરી લેવાશે. દરમ્યાન, જાણકારોએ કહ્યું હતું કે માત્ર ભુજમાં પ્રવેશવાના સાત માર્ગ પર જો સાત ટીમ ઊભી રહે તો ધૂંધુપાટ દોડતાં વાહનો પર લગામ આવી શકે અને માત્ર ત્રણ જ દિવસમાં આવાં વાહનો નિયમો અનુસરતા થઈ જાય તેમ છે. - પોલીસની પણ કાર્યવાહી : દરમ્યાન, સિટી ટ્રાફિક પોલીસ અને ભુજના બંને ડિવિઝનના પોલીસ સ્ટેશનોના સંયુક્ત ઉપક્રમે ભુજ નગરમાં ટ્રાફિક ઝુંબેશ આદરવામાં આવી હતી અને હેવી પેસેન્જર વાહનોને એનસી 24 આપી સ્થળ પર 13,200નો દંડ વસૂલવામાં આવ્યો હતો. એમવી એક્ટની કલમ 185 મુજબના બે કેસ, આઈપીસીની કલમ 283ના પાંચ કેસ તથા ત્રણ વાહન ડિટેઈન કરવામાં આવ્યા હતા. 

Crime

© 2020 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer