ચોબારીના આકાશમાં કૌતુક

ગાંધીધામ, તા. 13 : સરહદી અને પાડોશી દેશને અડીને આવેલા આ જિલ્લાનાં રણમાં ઘણી વખત ઊડતી વસ્તુઓ દેખાતાં કુતૂહલ સર્જાતું હોય છે તેવામાં ભચાઉ તાલુકાના ચોબારી ગામ નજીક રણમાં જુગુપ્સા પ્રેરક સોનેરી રંગના પક્ષી જેવી દેખાતી વસ્તુઓ કતારબદ્ધ હવામાં દેખાતાં લોકોમાં આશ્ચર્ય સર્જાયું હતું. લોકો તેને કેમેરામાં કેદ કરે તે પહેલાં ઊડતી આ વસ્તુ ગુમ  થઇ ગઇ હતી. જિલ્લાના શાંત, ચોખ્ખા અને તારાઓની રોશનીથી ઝગમગતા રણ વિસ્તારમાં રાત્રિના ભાગે અનેક પ્રવાસીઓ આ કુદરતી નજારો જોવા આવતા હોય છે. આવામાં અગાઉ ઘણી વખત કૌતુહલ સર્જાય તેવા દૃશ્યો આકાશમાં દેખાયાં છે. ગઇકાલે રાત્રે 8થી 8-30ના સમયે ભચાઉ તાલુકાના ચોબારી ગામ નજીક રણમાં અમુક પ્રવાસીઓ ફરી રહ્યા હતા. ત્યારે આકાશમાં અચાનક સોનેરી રંગની 20થી 25 પક્ષી જેવી લાગતી વસ્તુ દેખાઇ હતી. કતારબદ્ધ રીતે ચાલતી આ વસ્તુ પ્રથમ દ્રષ્ટિએ સોનેરી રંગના પક્ષીઓ લાગતાં હતાં પરંતુ તેમની પાંખો ચાલતી ન હતી. આ વસ્તુ મશીનની જેમ એક   કતારમાં ચાલી જતી હતી જેથી આ નજારો જોનારા લોકોમાં કુતૂહલસર્જાર્યું હતું. અમુક લોકોએ આ વસ્તુના ફોટા લેવાની કોશિશ કરી હતી પરંતુ માત્ર થોડી જ ક્ષણો માટે દેખાયેલી આ વસ્તુ બાદમાં વાદળોમાં કયાંક ગુમ થઇ ગઇ હતી. તેવું અમારા ચોબારીના પ્રતિનિધિએ જણાવ્યું હતું. તો બીજી બાજુ હાલમાં 370ની કલમ વગેરે પગલાંઓને લીધે સરહદ ઉપર તંગદિલી સર્જાઇ છે તેમજ આધુનિક પદ્ધતિવાળા અને પક્ષીઓના આકારવાળા પણ ડ્રોન બજારમાં મળતાં થયાં છે. ત્યારે પાડોશી મુલ્કે આપણી જાસૂસી કરવા માટે આ ડ્રોન નહીં મોકલાવ્યાં હોયને તેવો પ્રશ્ન પણ ખડો થયો હતો. 

© 2020 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer