આરટીઓ ટ્રેક પર સર્જાયો વિક્રમ

ભુજ, તા. 13 : સામાન્ય રીતે ફરિયાદનું કેન્દ્ર બનતા અહીંના આરટીઓ ખાતેના પાકા લાયસન્સ માટે ફરજિયાત એવા ટેસ્ટિંગ ટ્રેક પર આજે અલગ જ નજારો જોવા મળ્યો હતો. લોકોની ભારે સંખ્યા ઊમટી પડતાં તંત્રે પણ હકારાત્મક કદમો ઉઠાવતાં પહેલી જ વખત એક જ દિવસમાં 300 દ્વિચક્રી અને 200 જેટલા કારશ્રેણીના વાહનોની પરીક્ષા લેવાઈ હતી. ઉલ્લેખનીય છે કે, ભુજના આરટીઓ ટ્રેક પર પરીક્ષા લેવાયેલા વાહનોની આ સંખ્યા વિક્રમી છે. કેમ કે, અહીં પરીક્ષા માટેનો સ્લોટ જ 150 વાહન સુધીનો છે, પરંતુ મોટી સંખ્યામાં પરીક્ષાર્થીઓ ઊમટી પડતાં તંત્રે પણ હકારાત્મક અભિગમ અપનાવીને વધુ ઈન્સ્પેક્ટરો ફાળવીને મહત્તમ સંખ્યામાં અરજદારોને પાકા લાયસન્સની આ પરીક્ષામાં  આવરી લીધા હતા.આ અંગે એઆરટીઓ શ્રી ગજ્જરનો સંપર્ક સાધતાં તેમણે જણાવ્યું હતું કે, સોમવારે જોઈએ એટલી સંખ્યામાં પરીક્ષાર્થીઓ આવ્યા ન હતા, પરંતુ ગઈકાલની રજા બાદ આજે ખૂલતા દિવસે એપોઈન્ટમેન્ટ ધરાવતા અને એપોઈન્ટમેન્ટ ન હોય પરંતુ જિલ્લાના છેવાડાના વિસ્તારોમાંથી આવ્યા હોય તેવા પણ અનેક અરજદારો ઊમટી પડતાં ટ્રેક પર અભૂતપૂર્વ સંખ્યામાં પરીક્ષાર્થીઓ જોવા મળ્યા હતા.કચેરીએ હકારાત્મક વલણ અપનાવી કોઈને પણ ધક્કો ન પડે એ માટે ત્રણ ઈન્સ્પેક્ટર ફાળવીને પરીક્ષાની કામગીરી હાથ ધરતાં આટલી મોટી સંખ્યામાં પરીક્ષાર્થીઓ ટ્રેક પર પરીક્ષા આપી શક્યા હતા. 

© 2020 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer