મનીષા અને ભાઉને સાથે રાખી સીટની ટુકડી અબડાસાના તબેલા ખાતે પહોંચી

ભુજ, તા. 13 : કચ્છ ભાજપના નેતા માજી ધારાસભ્ય જયંતીભાઇ ભાનુશાલીની હત્યાના કેસમાં દશ મહિના બાદ ઝડપાયેલા અને બાર દિવસના રિમાન્ડ ઉપર લેવાયેલા કેસના બે ચાવીરૂપ આરોપી મનીષા ગોસ્વામી અને સુરજિત ભાઉને લઇને આજે ખાસ તપાસ ટુકડી (સીટ) કચ્છ ધસી આવી હતી અને અબડાસા જઇ તેણે જરૂરી કાયદાકીય કાર્યવાહી સાથે છાનબીન કરી હતી. અમદાવાદ રેલવે પોલીસની સીટની ટુકડી નાયબ મહાનિરીક્ષક ગૌતમ પરમારના માર્ગદર્શન તળે આજે કચ્છ પહોંચી હતી. મનીષા અને ભાઉને સાથે રાખીને તપાસનીશ કાફલો અબડાસામાં કનકપર અને હાજાપર ગામે પહોંચ્યો હતો.જ્યાં બન્ને મહત્ત્વના આરોપીની હાજરીમાં તબેલાવાળી જમીનના પંચનામા સહિતની કાયદાકીય કાર્યવાહી સંપન્ન કરાઇ હતી. સીટને સંલગ્ન સૂત્રો પાસેથી મળેલી માહિતી મુજબ બન્ને આરોપીને રાખીને કેસને સાંકળતા કચ્છના અન્ય સ્થળોએ પણ આ ટુકડી પહોંચી હતી કે પહોંચી રહી છે. આ કામગીરી અંતર્ગત જરૂરી પુરાવા સાથે નિવેદનો પણ લેવામાં આવ્યા હતા.આ કાર્યવાહી દ્વારા કેસ અને તેને આનુષંગિક પુરાવાને મજબૂતી આપવાનો પ્રયાસ કરવામાં આવી રહ્યો છે. તો આરોપીઓ સાથેની કચ્છની આ મુલાકાત બાદ વધુ કેટલીક વિગતો ખૂલવાનો નિર્દેશ પણ મળી રહ્યો છે.  

© 2020 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer