આડેસર પોલીસે વધુ ત્રણ ચાઈનાક્લે ભરેલાં ડમ્પરો ઝડપી લઈ કરી કાર્યવાહી

ગાંધીધામ, તા. 13: સમગ્ર જિલ્લામાં ખનિજ માફિયાઓ વિરુદ્ધ ડી.આઈ.જી. સુભાષ ત્રિવેદીએ લાલ આંખ કર્યા બાદ લગભગ તમામ માફિયા ભોંય ભેગા થઈ ગયા છે. છતાં પણ વાગડ જેવા પંથકમાં ઘાપટામાં આવી પ્રવૃત્તિ હજુય ધમધમતી હોવાનું મનાય છે, તેવામાં આડેસર પોલીસે ચાઈનાક્લે ભરેલાં વધુ ત્રણ ડમ્પર પકડી પાડયા હતા.અબડાસા, બન્ની પંથકમાં રેતી, કોલસા વગેરે તો વાગડ પંથકમાં ચાઈનાક્લે, રેતી વગેરે ખનિજ તત્ત્વોનું ગેરકાયદે ઉત્ખનન કરીને ખનિજ માફિયાઓએ જુદી-જુદી જમીનોમાં સમુદ્ર જેવડા ખાડાં કરી નાખી રીતસર સોથ વાળી નાખ્યો છે. આવા ખનિજોની ચોરી કરી ઊજળા થયેલા ખનિજચોરો ફાટીને ધુમાડે ગયા છે, તેવામાં ડી.આઈ.જી. સુભાષ ત્રિવેદીએ હાલમાં જ આ અંગે લાલ આંખ કરી છે. પોલીસની કોઈ પણ ચેકપોસ્ટ કે જે તે આવા થાણા વિસ્તારમાંથી ગેરકાયદેસર ખનિજ ચોરીનો બનાવ પકડાશે તો તે વિસ્તારના જવાબદાર પોલીસ કર્મીઓને સસ્પેન્ડ કરવાના આદેશ બાદ ખાણ ખનિજ વિભાગ કરતાં પોલીસ વધુ સક્રિય બની હતી અને ગેરકાયદેસર ખનિજ ચોરી કરતાં તત્ત્વો ઉપર ધોંસ બોલાવવામાં આવી હતી. આવી કડક કામગીરીના પગલે અનેક ખનિજચોરો ભૂગર્ભમાં ઊતરી ગયા હતા. અનેકે પોતાના વાહનો થંભાવી દીધા હતા.આડેસરની સ્થાનિક પોલીસ  રહારી પાટિયા નજીક પેટ્રોલિંગમાં હતી, તે દરમ્યાન ડમ્પર નંબર જીજે-12-બીટી-9944 તથા વિજાપર વાડી વિસ્તાર નજીકથી ડમ્પર નંબર જીજે-12-બીએકસ -4122, જીજે -12 -બીએકસ -4268 પકડી પાડવામાં આવ્યા હતા. આ વાહનોના ચાલકો એવા ખીમજી નરસિંહ ગઢવી, હારૂન તારમામદ ભટ્ટી, મહેબૂબ વલીમામદ ભટ્ટી પાસેથી ચાઈનાકલે અંગે રોયલ્ટી કે આધાર પુરાવા મગાયા હતા, પરંતુ આ ત્રણેયએ પુરાવા ન આપતાં ચાઈનાકલે ભરેલાં આ ત્રણેય ડમ્પર કબ્જે લેવામાં આવ્યા હતા. આ અંગે ખાણ ખનિજ વિભાગને લેખિતમાં રિપોર્ટ કરવામાં આવ્યો હતો. 

© 2020 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer