શિપિંગ કોર્પોરેશન કંપનીની ખોટ ઘટતાં આ વર્ષે નફો કરે તેવી આશા

ગાંધીધામ, તા. 13 : ભારત સરકારના કેન્દ્રીય શિપિંગ રાજ્યમંત્રી સાથે શિપિંગ કોર્પોરેશન ઓફ ઈન્ડિયાના ડાયરેકટરે બેઠક યોજી કંપની વિશે વિસ્તૃત રીતે ચર્ચા-વિચારણા કરી હતી. મુંબઈ પોર્ટ ટ્રસ્ટની કચેરી ખાતે  શિપિંગમંત્રી મનસુખભાઈ માંડવિયા સાથે યોજાયેલી બેઠકમાં કોર્પોરેશનના ઓડિટ કમિટીના ચેરમેન, ડીપીટીના પૂર્વ ટ્રસ્ટી માવજીભાઈ સોરઠિયાએ અર્ધવાર્ષિક હિસાબોનો અહેવાલ આપ્યો હતે. આ બેઠક દરમ્યાન  1લી એપ્રિલથી 30 સપ્ટેમ્બર સુધીમાં જે આવક અને જાવક મિલકતો અને જવાબદારી બાબતે ચર્ચા-વિચારણા કરવામાં આવી હતી. ગત વર્ષમાં નુકસાન કરતી કંપનીના નુકસાનમાં પ્રમાણમાં ઘટાડો થયો હોવાનું અને આગામી વર્ષમાં કોર્પોરેશન ફાયદો કરશે તેવી ખાત્રી તેમણે આપી હતી. આ વેળાએ કોર્પોરેશનના ચેરમેન અને મેનેજિંગ ડિરેકટર શ્રીમતી એચ.પી. જોશીએ  ચર્ચામાં ભાગ લીધો હતો. કેન્દ્રીય શિપિંગ મંત્રીએ  કંપનીની ખોટમાં ઘટાડો થવાની બાબતને બિરદાવી હતી. અત્રે ઉલ્લેખનીય છે કે શિપિંગ કોર્પોરેશન ઓફ ઈન્ડિયા દેશની સૌથી મોટી સરકારી શિપિંગ કંપની છે. કંપનીની માલિકીના 61 જહાંજો છે.  ઓઈલ પરિવહન ક્ષેત્રે શિપિંગ કોર્પોશેન મોખરે છે. તેમજ કંપનીની પવઈ ખાતે શૈક્ષણિક સંસ્થા પણ આવેલી છે. જેમાં મરિનની તાલીમ આપવામાં આવે છે. 

© 2019 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer