ગાંધીધામ તાલુકાની આંગણવાડીઓ સંદર્ભે વ્યાપક ગેરરીતિ-ભ્રષ્ટાચારની ઊઠેલી બૂમ

ગાંધીધામ, તા.13 : રાજ્યમાં કુપોષિત બાળકોની સંખ્યા ઘટાડવા માટે સરકારે આંગણવાડીમાં પૂરક પોષણ અને માતૃમંડળ અંતર્ગત બાળકોને વિટામિનથી ભરપૂર તથા પૌષ્ટિક આહાર મળે તેવો નિર્ણય કરાયો હતો, પરંતુ આ તાલુકાની અમુક આંગણવાડીઓમાં બાળકોને દરરોજ એક જ વાનગી પીરસાવવી, બોર્ડ ન રાખવું, નિયમ સમય સુધી આંગણવાડી ન ચલાવવી તેમજ આંગણવાડીના વર્કર બહેનોને બિલ પાસ કરાવવા પણ પ્રસાદી ધરવી વગેરે અનેક ગેરરીતિઓ અને ભ્રષ્ટાચાર થતો હોવાનું બહાર આવ્યું હતું.  કુપોષિત બાળકોની સંખ્યા ઘટાડવા માટે  સરકાર પ્રયત્નો કરી રહી છે. અગાઉ ગાંધીધામ તાલુકા સંકલન સમિતિની બેઠકમાં કુપોષિત બાળકોને દત્તક લેવાના નિર્ણયો પણ લેવાયા હતા. પરંતુ અમુક આંગણવાડીઓ જ આ કુપોષિત બાળકોનો આહાર ખાઈ જતી હોવાથી આવા બાળકો ક્યારે સુપોષિત બનશે તે યક્ષ પ્રશ્ન છે. આંગણવાડીઓમાં અઠવાડિયાના તમામ દિવસે જુદી-જુદી અને પ્રોટીન, કેલેરી, માઈક્રોન્યુટ્રીઅન્ટથી ભરપૂર વાનગીઓ નાના ભૂલકાંઓને આપવાની હોય છે. બાળકોને લાડુ, ત્રીજા આહાર તરીકે ઘરે લઈ જવાના, નાસ્તા તથા ફળ, ફ્રુટ, ખમણ, દાળ ઢોકળી, માતર, ચીકી, શીરો વગેરે પૌષ્ટિક આહાર આપવાનો હોય છે,પરંતુ આ તાલુકા અને સંકુલની અમુક આંગણવાડીઓમાં ક્યાંક દરરોજ ખારીભાત જેવી વાનગીઓ જ આપવામાં આવે છે. આંગણવાડીનો સમય સવારે 9.30થી બપોરે 3નો હોવા છતાં અમુક આંગણવાડી 10 વાગ્યા પછી ચાલુ કરાય છે અને 12.30ની આસપાસ બંધ કરી દેવામાં આવે છે. બાળકોના ઉછેર કેન્દ્ર સમાન આ આંગણવાડીઓમાં દરરોજ શું વાનગી આપવામાં આવે છે તે માટે બોર્ડ લગાવવાનું હોય છે અને આજે શું વાનગી આપી તેનો ઉલ્લેખ કરવાનો હોય છે, પરંતુ મોટા ભાગની આંગણવાડીઓમાં આવા બોર્ડની સંખ્યા નહિવત છે. અમુક આંગણવાડીના વર્કરો બાળકોને આપે છે. સાદું ભોજન અને બિલ તગડાં બનાવાય છે. સૂત્રોએ ટીખળ કરતાં કહ્યું હતું કે, બાળકોને કુપોષણમાંથી બહાર કાઢતાં-કાઢતાં અમુક લોકો પોતે મલાઈદાર બની ગયા છે. ઓછામાં પૂરું આંગણવાડી વર્કરો જ્યારે બિલ રજૂ કરે છે ત્યારે અમુક ઉપરી અધિકારીઓ પ્રસાદી લીધા વગર  બિલ મંજૂર કરતા નથી તેવું સૂત્રોએ ઉમેર્યું હતું. તાલુકાની અમુક આંગણવાડીઓમાં તપાસ આવતી હોય છે, પરંતુ માનીતા અને ચાગલા વર્કરોને ત્યાં તપાસ પણ ન આવતી હોવાનું જાણવા મળ્યું હતું. બિલ પાસ કરવા માટે પ્રસાદીનો આગ્રહ રખાતો હોવા અંગે તાલુકા વિકાસ અધિકારી રમેશભાઈ વ્યાસનો સંપર્ક કરાતાં તેમણે જણાવ્યું હતું કે, હું તપાસ કરાવી લઉં છું. જો એવું કાંઈ જણાશે તો પગલાં લેવામાં આવશે.  

Crime

© 2020 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer