ડીપીટી કામદારોના ખાતાં રાષ્ટ્રીયકૃત બેંકોમાં જ ખોલવા રજૂઆત

ગાંધીધામ, તા. 13 :અહીંના કુશળ-અકુશળ અસંગઠિત કામદાર સંગઠન-પૂર્વ-પશ્ચિમ કચ્છે દીનદયાળ પોર્ટ ટ્રસ્ટના અધ્યક્ષને એવી રજૂઆત કરી હતી કે, ડીપીટી કામદારોના ખાતાં રાષ્ટ્રીકૃત બેંકમાં જ ખોલાવાય. સંગઠનના મહામંત્રી વેલજીભાઈ જાટે આ રજૂઆતમાં જણાવ્યું હતું કે, સામાન્ય ભવિષ્યનિધિના ચાલુ કે ફિકસ ડિપોઝિટ ખાતાં પ્રશાસન આઈ.ડી.બી.આઈ. બેંકમાં ખોલાવવા વિચારી રહી છે. આ બેંક છેલ્લાં ચાર વર્ષથી સતત ખોટ કરે છે અને તેના શેરનું સતત ધોવાણ થઈ રહ્યું છે. આવી નબળી કોર્પોરેટ બેંકમાં કર્મચારીઓના મહેનતનાં નાણાં રાખવાં યોગ્ય ન હોવાથી આ સંગઠન તેનો વિરોધ કરે છે. શિપિંગ મંત્રાલયની સ્પષ્ટ માર્ગદર્શિકા છે કે, કર્મચારીઓના બેંક ખાતાં ફકત રાષ્ટીયકૃત બેંકમાં જ ખોલાવવાં જોઈએ તેવું જણાવીને તેમણે આઈ.ડી.બી.આઈ. બેંકમાં ખાતાં ન ખોલાવાં અને જો ખોલાવ્યાં હોય તો બંધ કરવાં અનુરોધ કર્યો હોવાનું સંગઠનના ઉપપ્રમુખ કીર્તિભાઈ આચાર્યની યાદીમાં જણાવાયું છે. 

© 2020 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer