બિન અનામત પ્રમાણપત્ર એટલે લોઢાના ચણા ચાવવાથીયે કપરું

ભુજ, તા. 13 : સરકારે આર્થિક રીતે નબળા પરિવારોને રાહતરૂપ બનવા માટે નોકરી છાત્ર શિષ્યવૃત્તિ સહિતની બાબતમાં આ પરિવારોને પણ લાભ મળે તેવા આશયથી  બિન અનામતની  કેટેગરીમાં આવતા આવા પરિવારો માટે ખાસ સવર્ણ અનામત યોજના  જાહેર કરી છે, જેમાં આવા પરિવારોને 10 ટકા અનામત આપવાની જોગવાઇ કરવામાં આવી છે. ત્યારે બિનઅનામત પ્રમાણપત્ર મેળવવામાં અરજદારોને ભારે હેરાનગતિ વેઠવાનો વારો આવી રહ્યો છે. આ પ્રમાણપત્ર સરળતાથી મેળવવું હોય તો એ કામ લોઢાના ચણા ચાવવાથી કપરું કામ હોવાનો બળાપો કેટલાક ભોગગ્રસ્ત અરજદારોએ ઠાલવ્યો હતો. સરકારે 78 જેટલી અલગ અલગ જ્ઞાતિને 10 ટકા સવર્ણ અનામતનો લાભ આપવાની જોગવાઇ કરી આ માટે ઇડબલ્યુએસ એટલે કે આર્થિક રીતે નબળા વર્ગનો લાભ મેળવવા માટે ખાસ પ્રમાણપત્ર લેવા માટેની સૂચના માર્ગદર્શિકા જાહેર કરવામાં આવી હતી. જોકે ભુજના બહુમાળી ભવન સ્થિત કચેરીમાં જ્યારે અરજદારો આ પ્રમાણપત્ર લેવા માટે જાય છે તેમને પારાવાર હાલાકી  વેઠવા સાથે વારંવાર ધક્કા ખાવાની નોબત આવી રહી છે.આ પ્રમાણપત્ર મેળવવા માટે આવકના દાખલાનો દુરાગ્ર રખાઇ રહ્યો છે. જાગૃત નાગરિકોની વાત માનીએ તો  પ્રમાણપત્ર મેળવવા જ્યાં કોઇ વ્યકિત નોકરી કરતો હોય તે સંસ્થાની પે-સ્લીપને માન્ય ગણવામાં આવતા હોવાની સ્પષ્ટ સૂચના છતાં ફરજિયાત મામલતદાર કચેરી  મારફત જે આવકનો દાખલો આપવામાં આવે તેનો આગ્રહ રખાઇ રહ્યો છે. મામલતદાર કચેરીમાંથી આવકનો દાખલો મેળવવાથી ત્રસ્ત અરજદારો અંતે તો બિનઅનામત કેટેગરીનું પ્રમાણપત્ર મેળવવાનું ટાળી રહ્યા છે.આ બાબતે બહુમાળી ભવન સ્થિત સમાજ કલ્યાણ?શાખા કચેરીનો સંપર્ક સાધતાં ત્યાંના સ્થાનિક જવાબદારોએ જે બધા માન્ય પુરાવા લઇને આવે છે તેમને વધુમાં વધુ 3 દિવસમાં પ્રમાણપત્ર આપી દેખાય છે. તેવું કહેતાં આવકનો દાખલો ફરજિયાત હોતાં તે માંગવામાં આવે છે તેમ કહ્યું હતું.  પગાર સ્લિપ ન સ્વીકારવા બાબતે તેમણે સ્પષ્ટતા કરી હતી કે, મામલતદારમાંથી મળે તે આવકનો દાખલો મળે તે એક અગત્યનો દસ્તાવેજ હોતાં તેના માટેનો આગ્રહ રખાય છે. 

© 2020 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer