પ્રદેશ પ્રમુખની હાજરીમાં કાલે ભુજમાં કોંગ્રેસનું સંમેલન

ભુજ, તા. 13 : ભાજપ સામે કોંગ્રેસે મોરચો ખોલ્યો હોવાથી યુવા, ખેડૂત અને મહિલા વિરોધી નીતિનો પર્દાફાશ કરવા ભુજ ખાતે શુક્રવારે જનવેદના સંમેલન યોજવામાં આવશે, જેમાં કોંગ્રેસના પ્રદેશ પ્રમુખ અમિત ચાવડા તથા આંદોલનકારી યુવા નેતા હાર્દિક પટેલ સંબોધન કરવાના છે. તા. 15/11ના સવારે 10.30 વાગ્યે ભુજના ઓપન એર ખાતે યોજાનારા સંમેલન અંગે વિગતો આપતાં જિલ્લા કોંગ્રેસ પ્રમુખ યજુવેન્દ્રસિંહ જાડેજાએ જણાવ્યું હતું કે, ખેડૂતોનાં પાક-વીમાની રકમની ચૂકવણીમાંઅસહ્ય વિલંબ, કમોસમી વરસાદથી ખેડૂતોના નુકસાન બાબતે સર્વે કામગીરીમાં વિલંબ, નર્મદા યોજનાનાં કામો 2006માં પૂર્ણ કરાશે તેવા વચનપાલનમાં ભાજપ સરકાર નિષ્ફળ, મોંઘવારી, બન્ની વન અધિકાર અધિનિયમ-2006ની અમલવારીમાં વિલંબ, મહિલાઓ માટેની ઉજજવલા યોજનાનું બાળમરણ, ટ્રાન્સપોર્ટ ઉદ્યોગનું પતન, આરોગ્યની સેવામાં સરકારની અણ આવડત-ડેંગ્યુનો   કહેર, શિક્ષણનું ખાનગીકરણ વિ. મુદે સરહદી કચ્છ જનતામાં આક્રોશ છે.  આયોજન અંગે જણાવ્યું હતું કે, સિનિયર કોંગ્રેસી આગેવાનોની કોર કમિટીથી માંડીને તાલુકા-શહેર-જિલ્લા- સેલપાંખ- ચૂટાયેલા પ્રતિનિધિ- હોદેદારો સાથે તબક્કાવાર બેઠકો યોજી ગુજરાત પ્રદેશ કોંગ્રેસનો સંદેશો ગ્રાસરૂટ લેવલે સુધી પહોંચાડી આ જનવેદના સંમેલન અને રેલી ઐતિહાસિક લડત કાર્યક્રમ બની રહેશે. જિલ્લા પ્રમુખ અધ્યક્ષસ્થાને મળેલી મિટિંગ બાદ સમગ્ર કચ્છ જિલ્લાના વિસ્તારોમાં આગેવાનો હાજરી આપશે.  એવું જિલ્લા પ્રવક્તા દીપક ડાંગરે જણાવ્યું હતું. 

Crime

© 2020 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer