ઢોરીની મહિલાનું તાવમાં મોત

રાયધણપર (તા. ભુજ), તા. 13 : તાલુકાની આહીરપટ્ટીમાં ડેંગ્યુ તાવ સહિત અન્ય ઝેરી તાવની મહામારીએ ભરડો લીધો છે. નાગોર ગામના યુવાનનું તાવમાં મૃત્યુ થયા બાદ બુધવારે ઢોરી ગામની 40 વર્ષીય મહિલાનું પણ તાવમાં મૃત્યુ થતાં તાવના દર્દી સહિતના લોકો ડેંગ્યુના ભયથી ચિંતિત બન્યા છે. દરમ્યાન ઢોરીના સેવાભાવી અગ્રણી વીરમભાઇ ગાગલને પૂછતાં તેમણે જણાવ્યું કે, અત્યારે હું ખુદ પરિવારના સભ્યોને લઇને દવાખાને જ આવ્યો છું. ઘરે-ઘરે તાવના ખાટલા છે. ઢોરી સામૂહિક આરોગ્ય કેન્દ્રમાં માત્ર બુધવારના દિવસે જ 150 જેટલી બોટલ દર્દીઓને ચડાવવામાં આવ્યા છે.ઢોરી ગામમાંથી દરરોજ મોટી સંખ્યામાં દર્દીઓનો પ્રવાહ ભુજ તરફ વિવિધ દવાખાનાઓમાં આગળ વધી રહ્યો છે. બીજી તરફ દિવાળી વેકેશન પૂર્ણ થઇ શાળાઓ શરૂ થઇ રહી છે ત્યારે  તાવની બીમારી ચેપ સ્વરૂપે વિદ્યાર્થીઓમાં આગળ ન વધે તેની સાવધાની રખાય તે સમયનો તકાજો છે. 

© 2019 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer