શિણાયમાં નશાયુક્ત યુવાન અકસ્માત સર્જ્યા પછી 108માંથી ઊતરીને ભાગ્યો!

ગાંધીધામ, તા. 13 : તાલુકાના શિણાય ગામમાં એક કારચાલકે અકસ્માત સર્જ્યા બાદ પોતાનું વાહન બાવળની ઝાડીમાં નાખી દીધું હતું. ઘવાયેલા અને નશાયુક્ત હાલતમાં રહેલા આ યુવાનને સારવાર અર્થે લઈ જવાયો હતો. ત્યારે 108 એમ્બ્યુલન્સમાંથી તે નાસી ગયો હતો. આ બનાવને પગલે ભારે ચકચાર પ્રસરી હતી.આદિપુરમાં રહેનારો જયપ્રકાશ સામજી બલદાણિયા નામનો યુવાન શિણાય ગામે ગયો હતો. પોતાના સમાજની વાડીમાં સરસ્વતી સન્માન કાર્યક્રમમાં હાજરી આપી આ યુવાન પોતાનું વાહન નંબર જી.જે. 09 બી.એચ. 5499 લઈને નીકળતો હતો તે દરમ્યાન સામેથી મારુતિ સુઝુકી બ્રિઝ કાર નંબર જી.જે. 12 ડી.એમ. 7803ના ચાલકે ફરિયાદીની ગાડીમાં આ બ્રિઝ ગાડી ભટકાવી હતી. જેમાં જયપ્રકાશને જમણા હાથમાં ઈજાઓ પહોંચી હતી. આ યુવાન નીચે ઉતરતાં બ્રિઝના ચાલક રોહિત શંભુ હડિયાએ ફરિયાદી ઉપર કાર ચડાવવાની કોશિશ કરતાં ફરિયાદી યુવાન હટી ગયો હતો. અકસ્માત સર્જી નાસવા જનારા રોહિત હડિયાએ પોતાની કાર બાદમાં બાવળની ઝાડીઓમાં ભટકાવી હતી. નશાયુક્ત હાલતમાં કારમાંથી ઉતરવા જતાં આ આરોપી બાદમાં પડી ગયો હતો. પોલીસ અને 108 એમ્બ્યુલન્સને બોલાવાઈ હતી. આ શખ્સને 108માં નાખીને સારવાર અર્થે લઈ જવાયો હતો. પાછળ પોલીસ વાહનમાં હેડ કોન્સ્ટેબલ મયૂરગિરિ હાજર હતા તેમ છતાં આ શખ્સ 108 એમ્બ્યુલન્સમાંથી ઉતરીને નાસી ગયો હતો. આ ચકચારી અને રમૂજી તેમજ ગંભીર પ્રકારના બનાવમાં પોલીસે ગુનો નોંધી આગળની તપાસ હાથ ધરી છે. 

© 2020 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer