ત્રીજા સંતાનની અરજી મામલે જખૌ પંચાયત સદસ્યાના પતિએ ધમકી દીધાની ફોજદારી
ભુજ, તા. 13 : પંચાયત અધિનિયમ અનુસાર ચૂંટાયેલા પંચાયતી સભ્ય માટે બે સંતાનની પાબંધી વચ્ચે અબડાસાના જખૌ ગામે પંચાયત સદસ્યાને ત્યાં ત્રીજા સંતાનનો જન્મ થવા વિશે અરજી થવાના મામલે જાનથી મારી નાખવાની ધમકી અપાઇ હોવાનો કિસ્સો પોલીસ દફતરે ચડયો છે. પોલીસે આપેલી માહિતી મુજબ જખૌના જતિન રમેશ લાલકા (ઉ.વ.28)એ આ બાબતે ગામની ગ્રામ પંચાયતના સદસ્યાના પતિ ઇસ્માઇલ યાકુબ કેર સામે આ ગુનો દાખલ કરાવ્યો હતો. પંચાયત સદસ્યાને ત્યાં ત્રીજા સંતાનનો જન્મ થવાના મામલે ઇકબાલ રાઠોડ નામની વ્યકિતએ કરેલી અરજીના અનુસંધાને આ ધમકી અપાયાનું ફરિયાદમાં લખાવાયું છે. સહાયક ફોજદાર કાન્તુભાઇ પટેલે કેસની તપાસ હાથ ધરી છે.