મનીષા અને ભાઉના બાર દિવસના રિમાન્ડ મંજૂર

મનીષા અને ભાઉના બાર દિવસના રિમાન્ડ મંજૂર
ભુજ, તા. 8 : દશ મહિના ભાગેડુ રહ્યા બાદ અંતે ઝડપાયેલા માજી ધારાસભ્ય જયંતીભાઇ ભાનુશાલીની ચાલુ ટ્રેને હત્યા થવાના ચકચારી મામલાના કડીરૂપ આરોપીઓ મનીષા ગુજ્જુગિરિ ગોસ્વામી અને સુરજિત ભાઉ ઉર્ફે સુરજિત પરદેશીને આજે કચ્છમાં ભચાઉ ખાતેની અદાલત સમક્ષ રજૂ કરીને તેમના 12 દિવસના રિમાન્ડ મેળવાયા હતા. રિમાન્ડ અંતર્ગતની પૂછતાછમાં ખાસ તપાસ ટુકડી વિવિધ પુરાવા એકત્ર કરશે, સાથેસાથે સમગ્ર કેસનું રિકન્ટ્રકશન કરાવી સહઆરોપીઓની ભૂમિકા સહિતનાં પાસાં ચકાસશે. ત્રણ દિવસ પહેલાં પકડાયેલા મનીષા ગોસ્વામી અને સુરજિત ભાઉને અલ્હાબાદ ઉત્તરપ્રદેશ ખાતેથી મોટર માર્ગે અમદાવાદ લઇ અવાયા બાદ જરૂરી પ્રાથમિક કાયદાકીય કાર્યવાહી કરાયા પછી આજે સવારે બાય રોડ લઇ અવાયા પછી ઉઘડતી કોર્ટએ ભચાઉમાં ચીફ જ્યુડિશિયલ મેજિસ્ટ્રેટની કોર્ટ સમક્ષ પેશ કરાયા હતા. તપાસનીશ સીટની ટુકડીએ બન્નેના 14 દિવસના રિમાન્ડ માગ્યા હતા. ન્યાયાધીશે બાર દિવસના આગામી તા. 20મી નવેમ્બર સુધીના રિમાન્ડ મંજૂર કરતો આદેશ કર્યો હતો. દરમ્યાન આજે તપાસનીશ ટુકડી બન્ને તહોમતદારને લઇને કોર્ટ સંકુલમાં પહેંચી ત્યારે સંબંધિતો અને પ્રચાર માઘ્યમો સંલગ્ન વ્યક્તિઓનો જમાવડો રહ્યો હતો. બન્ને આરોપીને કડક સુરક્ષા પહેરા તળે ન્યાયાધીશ સમક્ષ રજૂ કરાયા હતા અને રિમાન્ડ મળ્યા બાદ બન્નેને જીપકારમાં લઇ જવાયા હતા. તપાસનીશ ટુકડી સંલગ્ન સૂત્રોએ રિમાન્ડ મંજૂરી બાદ પ્રાથમિક તબક્કે વાતચીત કરતાં જણાવ્યું હતું કે, બાર દિવસના રિમાન્ડના સમયગાળા દરમ્યાન કેસને સંલગ્ન વધુ પુરાવાઓ મનીષા અને ભાઉ પાસેથી મેળવવાનો પ્રયાસ કરાશે. સાથેસાથે કેસનું રિકન્ટ્રકશન પણ કરાશે. બન્ને તહોમતદારને સાથે રાખીને તપાસકર્તાઓ તેઓ જ્યાં જ્યાં ગયા અને જ્યાં જ્યાં રોકાયા તે સ્થાનોએ પણ ફરી વળશે. દરમ્યાન તપાસનીશ ટુકડીના ઘ્યાને એ બાબત પણ આવી છે કે પ્રયાગરાજ (અલ્હાબાદ) ખાતે રોકાણ દરમ્યાન મનીષા ગોસ્વામી પોતે ફેશન ડિઝાઇનર હોવાનું સૌને જણાવતી હતી અને યોગના અભ્યાસ માટે આવ્યાનું કહી યોગાશ્રમે પણ જતી હતી. આ દરમ્યાન તેનો આર્થિક ખર્ચ પણ ઊડીને આંખે વળગે તેટલો ઊંચો રહ્યો હતો. કાયદાથી ભાગતા આરોપી પાસે આટલી આર્થિક છૂટછાટને કેન્દ્રમાં રાખીને તેને કોઇ બરાબર રૂપિયા મોકલતું હોવાની સંભાવનાઓ પણ સપાટી ઉપર આવી છે. આ પાસાંને પણ તપાસ તળે ખાસ આવરી લેવાશે. જેને લઇને પણ અત્યાર સુધી બહાર ન આવી હોય તેવી વિગતો ખૂલવાની સંભાવના જોવાઇ રહી છે. સૂત્રોએ વધુમાં જણાવ્યું હતું કે, ખૂન કેસમાં મનીષા અને ભાઉની સીધી કેટલી અને કેવી ભૂમિકા રહી હતી તે બાબત ઉપર ખાસ ધ્યાન કેન્દ્રિત કરવામાં આવશે. તો અન્ય આરોપીઓના રોલ વિશે પણ તેમની પાસે વિગતો મેળવી ક્રોસ વેરિફિકેશન કરવામાં આવશે.

Crime

© 2021 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer