કુરબઈ ગામે સમાજને સંગઠિતતાની નવો રાહ ચીંધ્યો

કુરબઈ ગામે સમાજને સંગઠિતતાની નવો રાહ ચીંધ્યો
કાઠડા/નખત્રાણા, તા. 8 : ભુજ તાલુકાના કુરબઈ ગામે માત્ર 211 દિવસમાં મંદિરનું નિર્માણકાર્ય સંપન્ન કરી સામાજિક સંગઠિતાની મિસાલ પૂરી પાડી અન્યોને માટે રાહ ચીંધતું કામ કર્યાનો અહોભાવ ત્રિદિવસીય પ્રાણપ્રતિષ્ઠા મહોત્સવના સમાપન વેળાએ વ્યક્ત કર્યો હતો. કુરબઈમાં કચ્છ કડવા પાટીદાર સમાજ દ્વારા નષ્કલંકી નારાયણ ભગવાન જ્યોતિ મંદિર, ઉમિયા મંદિર અને વેદ મંદિરના પ્રાણપ્રતિષ્ઠા મહોત્સવની તો ભગવાનના સિંહાસન જ્યોતિ પ્રાગટય વિધિ, ત્રિદેવ જ્યોતિ પ્રાગટય-વેદ મંદિરના ગ્રંથોની શાત્રોક્ત મંત્રોચ્ચાર સાથે નૂતન મંદિરે પધરામણી થઈ હતી. મહોત્સવના અંતિમ ચરણમાં સવારના સમયમાં સંત જનાર્દનહરિજી, સંત પંકજદાસજીએ આશીર્વચન પાઠવતાં કહ્યું હતું કે, આજે સુંદર વિચારોની સરવાણી વહે છે. કુરબઈ ગામના બે પાટીદાર સમાજે એકતા-સંગઠન સાથે મંદિરનું નિર્માણ કર્યું છે તે ખરેખર નવી પરંપરા શરૂ થાય છે. નિજમંદિર પાનમૂર્તિના દાતા સ્વ. દેવશીભાઈ પોકાર પરિવાર, મૂર્તિઓના દાતા ગં.સ્વ. ઝવેરબેન વિશ્રામભાઈ પોકાર પરિવાર હ. અશોકભાઈ મહેન્દ્રભાઈ તેમજ મંદિરના નિર્માણકાર્યમાં શ્રમદાન દેનારા યુવાનો, વિવિધ હસ્તીઓ, આગેવાનો, ભોજન, મંડપ, સાઉન્ડ સર્વિસના દાતાઓનું સંતોના હસ્તે શાલ ઓઢાડી સન્માન કરવામાં આવ્યું હતું. તો છગનબાપા, નારાણદાસબાપાએ પોતાના પ્રવચનમાં કહ્યું હતું કે, સતપંથનો સાર સદ્ગુરુનું ધ્યેય છે. પરમાત્મા સાથે જોડાવવાનું પરમાત્મનું તેજ સ્વપરૂ જ્યોત છે. ગુરુ માધ્યમ છે. ભગવાનની કૃપાથી ભક્તિ સત્સંગ મેળવવા મંદિર એ એક સબળ માધ્યમ છે. આ પ્રસંગે જયરામદાસજી મહારાજ, સામળદાસજી મહારાજ, શિવરામદાસજી મહારાજ, પુરુષોત્તમદાસજી મહારાજ, દિવ્યાનંદજી મહારાજ, પ્રેમદાસબાપુ, તુલસીબાપુ, રતિબાપા વગેરેએ મંચસ્થ રહી આશીર્વચનો પાઠવ્યા હતા. મહાપ્રસાદના દાતા અને રૂા. 10 લાખનું દાન આપનારા સ્વ. લાછબાઈબેન સોમજીભાઈ દાનાભાઈ રામજિયાણી પરિવાર હસ્તે હરજીભાઈ, છગનભાઈ, રવજીભાઈ, નાનજીભાઈ (જનકપુર-હાલે મુંબઈ) તથા અન્ય દાતાઓના પણ સન્માન થયા હતા. ત્રિદિવસીય કાર્યક્રમમાં કચ્છ, મુંબઈ, નાસિક તથા ભારતભરમાંથી સામાજિક સભ્યો તથા પાર્વતી માતાજી (લુડવા), અખિલ ભારતીય કચ્છ કડવા પાટીદાર સતપંથ સનાતન સમાજ પ્રમુખ દેવજીભાઈ ભાવાણી, દાનાભાઈ ગોરાણી, ગંગારામભાઈ પારસિયા, મૂળજીભાઈ ગોરાણી, અરજણભાઈ ભગત, જેન્તીભાઈ લીંબાણી સહિતના આગેવાનો જોડાયા હતા સાથે મહિલા મંડળ, યુવક સંઘ પણ જોડાયું હતું. સંચાલન સુરેશભાઈ રામજિયાણી, હીરાભાઈ ભીમાણી, નરસિંહભાઈ પોકારે સંયુક્ત રીતે કર્યું હતું.

Crime

© 2021 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer