બેટરીઓ ફાટતાં લાગેલી આગ માનકૂવાના યુવાન માટે મોત બની : માંડવીની મહિલાયે જવાળાઓમાં ભરખાઇ

ભુજ, તા. 8 : તાલુકામાં ડાકડાઇ ખાતે વાડીમાં ટ્રક ચાલુ કરવા સમયે તેમાં ભરાયેલી બેટરીઓ ફાટતાં લાગેલી આગ  માનકૂવા ગામના દાઝી ગયેલા સંજય અંબાલાલ વેલાણી (ઉ.વ.32) માટે અંતે મોતનું કારણ બની હતી. તો બીજીબાજુ બંદરીય શહેર માંડવીમાં પણ ગંભીર રીતે દાઝી જવાના કિસ્સામાં કસ્તૂરબેન રવજીભાઇ ઉમરાણિયા (ઉ.વ.38)ની જીવનયાત્રાયે સંપન્ન થઇ હતી. જયારે નખત્રાણા તાલુકામાં રવાપર અને વિગોડી વચ્ચે ગત ઓગસ્ટ મહિનામાં કાર ઉથલી પડતા ઘવાયેલા જામનગરના પ્રકાશ મૂળજી દામા (ઉ.વ.46) માટે સારવાર દરમ્યાન હૃદયરોગનો હુમલો જીવલેણ સાબિત થયો હતો. પોલીસ દફતરેથી પ્રાપ્ત માહિતી મુજબ માનકૂવા પાસે ડાકડાઇ ગામે આવેલી વાડીએ બોરવેલની ટ્રક સેલ લગાડીને ચાલુ કરવા સમયે તેમાં ભરાયેલી બેટરીઓ ફાટતાં આગ લાગી હતી. જેમાં માનકૂવાનો સંજય વેલાણી ગંભીર રીતે દાઝી ગયો હતો. ભુજથી વધુ સારવાર માટે રાજકોટ લઇ જવાયા પછી આ હતભાગીનું ત્યાં સારવાર દરમ્યાન મૃત્યુ થયું હતું. માનકૂવા પોલીસે અકસ્માત મોતનો ગુનો નોંધી તપાસ હાથ ધરી છે. બીજીબાજુ માંડવી શહેરમાં સોનાવાડા નાકા પાસે શાળાની બાજુમાં રહેતા કસ્તૂરબેન ઉમરાણિયાનું દાઝી જવાના લીધે અપમૃત્યુ થયું હતું. પોલીસે આ બાબતે આપેલી માહિતી મુજબ આ પરિણીત યુવતી ગત તા. 25મી ઓકટોબરના વહેલી સવારે તેના ઘરમાં દાઝી ગઇ હતી. ભુજ ખસેડાયા બાદ સારવાર દરમ્યાન જનરલ હોસ્પિટલમાં આજે તેણે દમ તોડયો હતો. દરમ્યાન નખત્રાણા તાલુકામાં વિગોડી અને રવાપર વચ્ચે ગત તા. 24મી ઓગસ્ટના ઇકો કાર ગાય આડી આવતાં રસ્તો ઉતરી પલ્ટી ખાઇ જતાં અકસ્માત સર્જાયો હતો. આ કિસ્સામાં જામનગરના પ્રકાશ દામાને ઇજાઓ થઇ હતી. તેમને નખત્રાણાથી ભુજ થઇ વધુ સારવાર માટે જામનગર લઇ જવાયા પછી ત્યાં સારવાર દરમ્યાન હૃદયરોગનો હુમલો આવતાં તેમનું મૃત્યુ થયું હતું. નખત્રાણા પોલીસે અકસ્માત મોતનો ગુનો નોંધી તપાસ હાથ ધરી છે. 

© 2020 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer