કચ્છમાં જળવૈભવનો વેરી બન્યો ગાંડો બાવળ

કચ્છમાં જળવૈભવનો વેરી બન્યો ગાંડો બાવળ
ગિરીશ જોશી દ્વારા-  ભુજ, તા. 16 : કચ્છના ડેમ-તળાવોમાં જળ સંગ્રહ શક્તિ વધારતી નદીઓને ગાંડા બાવળે ઘેરો ઘાલ્યો હોવાથી વરસાદી પાણીના વહેણમાં એક મોટો અવરોધ ઊભો થઇ રહ્યો છે. ગાંડા બાવળના કારણે જળાશયોની સંગ્રહશક્તિમાં પણ ઘટાડો થતો હોવાનું તારણ નીકળ્યું છે. એક સમયે કચ્છમાં સિંધુ અને સરસ્વતીના નીર વહેતાં કાળક્રમે એ લુપ્ત થયા પછી એક પણ બારમાસી નદી નથી. રાજ્ય સરકાર અને હવામાન વિભાગે જારી કરેલા આંકડામાં એવું દર્શાવ્યું છે કે કચ્છમાં 143 ટકા વરસાદ થયો છે ત્રણ મહિનામાં 100 ટકા પાણીની જરૂરિયાત સામે 148 ટકા વરસાદ થયો હોવા છતાં અફસોસ એ વાતનો છે કે સો ટકા જળાશયો પણ છલકાયા નથી અને જે પાણીનો સંગ્રહ થયો છે એમાંય 20 ટકા ખાધ છે. કચ્છ સિંચાઇ વિભાગના વડા એન.વી. કોટવાલનો સંપર્ક સાધતાં તેમણે કહ્યું કે કચ્છમાંથી નાની-મોટી 93 લોક માતા ચોમાસા દરમ્યાન વહેતી હોય છે. ખાસ કરીને ગ્રામ્ય કે શહેરી વિસ્તારમાં પુલ-પાપડી પરથી પસાર થનારા જાણકારાએ કહ્યું કે અષાઢ માસથી શરૂ થયેલો વરસાદ કચ્છમાં આસો મહિના સુધી છૂટો છવાયો ચાલુ રહ્યા છતાં કેટલાય જળાશયો ખાલી રહી ગયાં તેનું કારણ આ ગાંડો બાવળ છે. સરકાર જળસંચય માટે અભિયાન ચલાવે છે. પણ નદીઓના સ્રાવ વિસ્તારના પટમાં ગાંડો બાવળ એટલી હદે ઉગી નીકળ્યો છે કે ખરેખર નદીઓનો વિસ્તાર અને પાણીની સ્થિતિ કેટલી છે એ પણ જોવા મળતી નથી, તેની સફાઇ કરવામાં આવી હોત તો પાણીનો પ્રવાહ અટકયો નહોત. નદીઓના મોટા પટમાં બેફામ ફેલાયેલા આ ગાંડા બાવળને ગ્રામ પંચાયત હસ્તક ચોમાસા પહેલા જો કાપીને કોલસો બનાવવાની છૂટ આપી દેવામાં આવે તો નદીની સફાઇ થઇ જાય અને પાણીનો પ્રવાહ વિના અવરોધે આગળ ધપી શકે. સિંચાઇ વિભાગના વડા શ્રી કોટવાલ કહે છે કે કચ્છની 93 નદીઓના વહેણ થકી 20 મધ્યમ સિંચાઇના અને 170 નાની સિંચાઇના ઉપરાંત વચ્ચે વચ્ચે આવતા પાંચ હજાર જેટલા ચેક ડેમ ભરાતા હોય છે પરંતુ વરસાદ ઘણો થયો છતાં મધ્યમ સિંચાઇના 12 ડેમ ઓગન્યા છે જ્યારે નાની સિંચાઇના 60 જળાશય ઓગન્યા છે. બાકીમાં પાણી આવ્યું છે પરંતુ છલકાવાના નથી. વહેતા પાણીને ગાંડા બાવળનો અવરોધ સર્જાતો હોવાના કારણે અમુક એવા ડેમ છે જ્યાં 30 ટકા પાણીયે પહોંચતું નથી. ભુજ તાલુકાના રુદ્રમાતા ડેમમાં માત્ર 23.24 ટકા જળ સંગ્રહ થઇ શક્યો છે. કાસવતીમાં 8.38 ટકા, તો ગજોડ ડેમમાં 17.7 ટકા પાણી ભરાયું છે તેવું સિંચાઇ તંત્ર પાસેથી સત્તાવાર જાણવા મળ્યું હતું. ગાંડો બાવળ કચ્છનો દુશ્મન છે. જાણકારો કહે છે કે આ વનસ્પતિ પાણીને જમીનમાંથી ચૂસી લે છે એટલે તો બે-બે દુકાળ છતાં આ બાવળ કયારે સુકાતો નથી. જમીનમાં જ્યાં પાણી હોય ત્યાંથી પોતાની જરૂરિયાત પૂરી કરી લે છે. ગ્રામ્ય કક્ષાએ ગ્રામ પંચાયત અને શહેરી વિસ્તારને લાગે ત્યાં નગરપાલિકા તંત્ર દ્વારા બાવળની સફાઇ કરાવવી જોઇએ કેમકે ગાંડા બાવળની ઝાડીને લીધે જળ પ્રવાહ અવરોધાતાં ખેતરોને નુકસાન થયું છે. રસાયણ બગડયા છે. એક અંદાજ મુજબ કચ્છમાં રસ્તાઓને 47 કરોડનું નુકસાન થયું છે પાણીના વહેણના નાળામાં બાવળોનો મોટો ભરાવો થઇ જવાના કારણે આખેઆખા ડામરના પડને વરસાદ ખેંચી ગયો હોવાના બનાવ પણ બન્યા છે. 

© 2020 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer