દિવાળીને અજવાળતા દીવાની બજાર અવિચળ

દિવાળીને અજવાળતા દીવાની બજાર અવિચળ
અંબર અંજારિયા દ્વારા-  ભુજ, તા. 16 : `મેડ ઇન ચાઇના'ની મજાલ નથી કે, `મેક ઇન ઇન્ડિયા' સામે ટકી જાય તેવો પડકાર પાકિસ્તાનના ખોળામાં બેઠેલા ચીનને કચ્છમાંથી પણ ફેંકાયો છે. હિન્દુઓનાં મહાપર્વ દિવાળીની  અમાસને અજવાળનારા અવનવા માટીના દીવડા બનાવતા મુસ્લિમ કુંભાર કસબીઓ એકી અવાજે જાણે કહી રહ્યા છે કે, યાદ રાખજો ચીનાઓ તમે `ટકવાના' નથી અને અમે `અટકવાના' નથી. પ્રકાશપર્વને પખવાડિયાથીયે ઓછો સમય માંડ બચ્યો છે, ત્યારે  ઇલેકટ્રોનિક, હાઇટેક ચીની બનાવટના તકલાદી તૈયાર દીવડા આપણા `કચ્છી' બજારમાં  ભલે ઘૂસણખોરી કરી ગયા હોય, પરંતુ રાતોની રાતના ઉજાગરા આંખે આંજીને પાણીની સાથોસાથ પરસેવાથી પકવેલા માટીના દીવડાની બજાર અવિચળ અકબંધ છે તેવો આત્મવિશ્વાસ `કચ્છમિત્ર' સાથે વાત કરતાં ભુજના ભીડ નાકે આવેલા કુંભારવાડામાં માટીનાં કોડિયાં, દીવડા બનાવવાના ધમધમાટ વચ્ચે કુંભાર કસબીઓએ વ્યકત કર્યો હતો.અલબત્ત માટીના કામનેય મોંઘવારી-મંદીનું ગ્રહણ નડયું છે છતાં કપરી પરિસ્થિતિ વચ્ચેય બજાર ટકાવી બેઠેલા કસબીઓ કહે છે કે, મહેનત સામે વળતર ઓછું હોઇ નવી પેઢીને માટીમાં રસ રહ્યો નથી. આતશબાજીના અજવાશમાં  ઉમેરારૂપે ઘરોને અજવાળતા આકર્ષક માટીના દીવડા શહેરની બજારમાં ઉતારવાનો તખતો કુંભારવાડાના આંગળીના વેઢે પણ ગણવાની જરૂર ન પડે તેટલા કસબી કુટુંબોના આંગણે ઘડાઇ ચૂક્યા છે. ભુજ શહેરમાં માટીકામની પ્રકાશમાં ન આવી શકેલી હસ્તકલા સાત પેઢીથી ટેરવે ટકાવી બેઠેલા કારીગરો કુટુંબો હવે માંડ આઠથી દશ બચ્યા છે. કુંભારવાડામાં બુઝુર્ગો અલીમામદ કુંભાર, અદ્રેમાન બુઢા કુંભાર, હારૂનભાઇ અદ્રેમાન, અલીમામદ કુંભાર તેમજ લખુરાઇમાં ખેડોઇ અને વાગડના રમજુ અલીમામદ, ઇબ્રાહીમ અલીમામદ, અલારખ્યા સુમાર, ઇશા રમજાન અને કાસમ સુલેમાનના કુટુંબો માટીનાં કોડિયાં દિવાળીના દીવડા માટે બનાવે છે. માટીનાં કોડિયાં કચ્છીયતની તાસીરની તસવીર.... પાંચ પેઢીથી  માટીકામનો કસબ ટેરવે ટકાવી બેઠેલા અદ્રેમાન અલીમામદ કુંભાર કહે છે કે, માટીનાં કોડિયાં તો કચ્છીયતની આગવી ઓળખ છે. આયુષ્યના છ દાયકા પૂરા કરી ચૂકેલા કલાકાર અલીભાઇના આંગણે ગોઠવાયેલા અવનવા દીવડા મંત્રમુગ્ધ કરી દે તેવા છે. ઝુમ્મર આકારના, મંદિર, ફાનસ, ચબૂતરાના આકારવાળા, કમલના ફૂલના આકારવાળા,  ઘરોની અંદર અજવાશ પાથરે તેવા તેમજ ટોડલે હારમાળા સર્જીને ઘરોને બહારથી ઓપાવતાં મનમોહક કોડિયાં ખરેખર કમાલની કલા છે. માટીમાંથી બે ટકના રોટલાનો મેળ માંડ ઉતારી શકતા આ `ઝીણા' કસબી કુટુંબો પાસેથી માટીનાં કોડિયાં ખરીદીને પાંચ પૈસાની કમાણી કરાવી આપવાનું પુણ્ય કમાઈ લેવા જેવું ખરું.  જૂના દિવસો યાદ કરતાં જૈફ કસબી અદ્રેમાન બુઢા કુંભારની આંખોના ખૂણા ભીના થયા વિના રહેતા નથી. એ જમાનાની જાહોજલાલી હવે કયાંથી પાછી આવે બાપ... એડા ત ડીં ન અચેં વરી પાછા હણેં મીઠા, કમ કંઈંધા વા ગચ, સજી રાત જાગધાવા તાંય થાક ન લગધો વો...  આયખાંની પોણી સદી વટાવી ચૂકલા આ કસબી કુંભારને શહેરના ભીડનાકા પાસે આવેલા કુંભારવાડા વિસ્તારનાં બાળકો, મહિલાઓ, પુરુષો `બુઢાચાચા'ના હુલામણા નામે બોલાવે છે.  પોતાના પગે ચાલતા શીખ્યો ત્યારથી જ હાથ માટીવાળા, પગ માટીવાળા હીં સમજી ગીનો ને ક, સજી જમાર માટી મેં જ વઈ આય... ભણ્યા કેટલું છો ? તેવા સવાલના જવાબમાં  ભણતર કંઈ જ નહીં, પરંતુ ગણતર `ગચ' ધરાવતા બુઢાકાકા કહે છે કે, નિશાળ નાંય ડિઠી ભા.  હંગામી આવાસમાંથી  ધોળી માટી અને હરિપર પાસેના તળાવમાંથી દેશી માટી લાવે છે. આ માટીને પકાવવા માટે જરૂરી બળતણ તરીકે લાકડાનો વતરો 120 રૂપિયે કિલો અને છકડો એક ફેરાના 150 રૂપિયા લે. આમ, હવે માલ-મજૂરી મોંઘા થઈ ગયા હોવાથી માટીનાં કામને મોંઘવારીનું ગ્રહણ લાગી રહ્યું છે તેવી વ્યથા પણ બુઝુર્ગ કસથી વ્યક્ત કરે  છે. એક ઈંચથી માંડીને  પાંચ ફૂટ સુધીના અવનવા આકાર, કદ, રંગ-રૂપના માટીના દીવડા હાથેથી બનાવતા યુવાન  કસબી ઓસમાણભાઈ કુંભાર `કચ્છમિત્ર' સાથે વાત કરતાં કહે છે કે, ચીની ચીજો  ટકવાની નથી. તે મશીનથી બનાવતા હશે,  પરંતુ અમે મનથી બનાવીએ છીએ. અલીભાઈના આંગણે લાભ-શુભ,  સાથિયા, ત્રિશુળના આકારના દીવડા શોભી રહ્યા છે. સતારા, આભલા,  રંગોથી દીપી ઊઠે તેવા દીવડા જોઈ ભલભલા મંત્રમુગ્ધ બની જાય. માટીના હોવા છતાં ડૂબે નહીં, પરંતુ તરતા રહે તેવા કાચબાના દીવડામાં ભણેશ્રીનેય શરમાવે તેવું દેશી એન્જિનીયરિંગ કરાયું છે.  કલામ પણ બોલી ઊઠયા કમાલ, મોદી પણ `માટીના મોદી'થી મુગ્ધ  વડીલોના વારસાને ટેરવે ટકાવી બેઠેલા 92 વર્ષીય બુઝુર્ગ કસબી અલીમામદભાઈ કુંભાર કહે છે કે, આપણા દેશના દિગ્ગજ નેતાઓએ પણ તેમની  માટીકલાને વખાણી છે.  પૂર્વ રાષ્ટ્રપતિ અને દંતકથારૂપ વૈજ્ઞાનિક ડો. અબ્દુલ કલામને માટીની ગામડાંની પ્રતિકૃતિ ભેટ આપી ત્યારે કલામે પણ આ જૈફ કલાકારની પ્રસંશા કરી હતી. આપણા વડાપ્રધાન નરેન્દ્ર મોદી પણ માટીના મોદીની ભેટ સ્વીકારીને અલીભાઈ પર આફરીન પોકારી ગયા હતા.  

© 2020 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer