પત્નીના પ્રેમનો વ્યાપ જાણવા માટે પોતાના અપહરણનું નાટક ઊભું કરનારો ઝડપાયો

પત્નીના પ્રેમનો વ્યાપ જાણવા માટે પોતાના અપહરણનું નાટક ઊભું કરનારો ઝડપાયો
ભુજ, તા. 16 : પોતાનું અપહરણ થયું હોવાનો ખોટો ત્રાગડો રચનારા ભુજના મેહુલ રસીકલાલ જોશી નામના 23 વર્ષની વયના યુવાનને પોલીસે ઝડપી પાડયો છે અને તેની સામે આ મામલે કાયદેસરની કાર્યવાહી હાથ ધરાઇ રહી છે. ભુજમાં હોસ્પિટલ રોડ ઉપર સોમનાથ એપાર્ટમેન્ટ ખાતે રહેતો મેહુલ જોશી ગઇકાલે ઓફિસ જાઉં છું તેવું કહીને ઘરેથી નીકળ્યા બાદ તેની પત્ની ઇશાબેનને અજાણ્યા નંબર ઉપરથી ફોન આવ્યો હતો કે તમારો પતિ અમારા કબ્જામાં છે. પોલીસદળે અલગ-અલગ ટુકડીઓ બનાવી હાથ ધરેલી વ્યવસ્થિત ઢબની તપાસમાં મોબાઇલ ફોન લોકેશન તથા સી.ડી.આર. ઉપરથી તાગ મેળવીને આજે મેહુલને શોધી લીધો હતો.  પોલીસ સાધનોએ મેહુલની કેફિયતને ટાંકી આ વિગતો આપતાં જણાવ્યું હતું કે તે તેના પરિવારથી ડિસ્ટર્બ છે. પોતાની પત્ની પોતાને કેટલો પ્રેમ કરે છે તે જાણવા માટે ઘરેથી નીકળી ગયા બાદ અજ્ઞાત નંબર ઉપરથી વોઇસ ચેન્જર થકી અવાજ બદલાવીને તેણે પત્ની ઇશાને અપહરણ થયાની ખોટી વિગતો જણાવી હતી. મેહુલ સામે બી-ડિવિઝન પોલીસમાં કાયદેસરની કાર્યવાહી કરવાના ચક્રો ગતિમાન કરાયા છે. અપહરણકર્તા તરીકે ફોન કરનારા મેહુલે પત્ની પાસે ગાંધીધામ આવી રૂા. ત્રણ લાખ આપી જાવ અને પતિને લઇ જાવ તેવી વાત પણ કરી હતી. અલબત્ત પોલીસની કડીબદ્ધ કામગીરી થકી તેનો ભાંડો કલાકોમાં જ ફ્|ટી ગયો હતો.  એસ.પી. સૈરભ તોલંબિયા અને નાયબ પોલીસ અધિક્ષક જે.એન. પંચાલના માર્ગદર્શન તળે એલ.સી.બી., એ-ડિવિઝન અને બી-ડિવિઝન પોલીસના અધિકારીઓ અને કર્મચારીઓ આ કાર્યવાહીમાં જોડાયા હતા.  

© 2020 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer