રામબાગ સ્થિત તાલુકા આરોગ્ય વિભાગની કચેરી ખાલી કરવાના આદેશથી ચકચાર

રામબાગ સ્થિત તાલુકા આરોગ્ય વિભાગની કચેરી ખાલી કરવાના આદેશથી ચકચાર
ગાંધીધામ, તા. 16 : સંકુલમાં દિનપ્રતિદિન ડેન્ગ્યુના શંકાસ્પદ કેસો વધી રહ્યા છે.તેવામાં આરોગ્ય અને તબીબી સેવા રાજકોટના વિભાગીયનાયબ નિયામકે જિલ્લા મુખ્ય અધિકારીને ગાંધીધામ તાલુકા આરોગ્ય વિભાગની કચેરી રામબાગ હોસ્પિટલમાંથી  ખાલી કરવા પત્ર લખતાં ચકચાર  પ્રસરી  છે. આરોગ્ય વિભાગની કથિત આંતરિક  ખટપટના  કારણે  કચેરી  ખાલી કરવા અંગે નિર્ણય લેવાયો હોવાની ચર્ચાએ જોર પકડયું છે. રાજકોટના વિભાગીય નિયામકે લખેલા પત્રમાં રૂમ ઘટના કારણે દર્દીઓને પૂરતા પ્રમાણમાં રામબાગ હોસ્પિટલનો લાભ મળતો નથી અને આવા દર્દીઓની અંગતતા જાળવી શકાતી નથી  તેવા કારણોસર  ગાંધીધામ તાલુકા આરોગ્ય વિભાગની કચેરીને ખાલી કરવા જણાવાયું  છે. રામબાગના આરોગ્ય કેન્દ્રમાં સફાઈ અને પાણીના લીકેજના કારણે  સ્વસ્થ થવા આવતા દર્દીઓ બીમાર પડી રહ્યા  છે તેવી   રાવ ઊઠી હતી.  લોકોના સ્વાસ્થ્યને ધ્યાને રાખી  ગાંધીધામ તાલુકા આરોગ્ય વિભાગે હોસ્પિટલમાં સ્વચ્છતા જાળવવા  મુદે લેખિત જાણ કરી હતી.કેટલાક લોકોના અહમને સંતોષવા   માટે આ પ્રકારનો નિર્ણય લેવાયો હોવાનું જાણકારોએ જણાવ્યું  હતું. બે વર્ષ અગાઉ આ જ પ્રકારે રૂમો  ન હોવાના બહાના તળે અર્બન સેન્ટરની કચેરીને ખાલી  કરવામાં  આવી હતી. ડાયાલિસીસ સેન્ટર પણ લાંબા સમયથી બંધ છે.હાલ ઉપલબ્ધ રૂમો પણ ખાલી પડયા છે . સામાન્ય  રીતે તાલુકાના આરોગ્ય વિભાગની કચેરી  સરકારી  હોસ્પિટલમાં રાખવાની હોય છે. જેથી  મા કાર્ડ સહિતની યોજનાનો લાભ લોકો સરળતાથી લઈ  શકે તેવો  સૂર  લોકોએ વ્યકત કર્યો હતો. આ અંગે તાલુકા આરોગ્ય અધિકારી ડો.દિનેશ સુતરિયાનો સંર્પક કરતાં  તેમણે કચેરી ખાલી કરવાની વાતને સમર્થન આપ્યું હતું. જ્યાં સુધી અન્ય જગ્યાએ કચેરી ફાળવવામાં નહીં આવે ત્યાં સુધી કચેરી  અહીં જ કાર્યરત રહેશે તેવુ તેમણે ઉમેર્યું હતું.   

© 2020 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer