અદાણી પોર્ટ પર રાંધણગેસનું ટેન્કર જહાજ લાંગરતાં નવો અધ્યાય શરૂ

અદાણી પોર્ટ પર રાંધણગેસનું ટેન્કર જહાજ લાંગરતાં નવો અધ્યાય શરૂ
મુંદરા, તા. 16 : એલ.પી.જી. ગેસ લઇને પ્રથમ વખત મુંદરાના બંદર ઉપર જહાજ લાંગરવાની સાથે આયાતી  રાંધણગેસના નવા અધ્યાયની શરૂઆત થઇ છે. `એમ.ટી. ગેસ કોમર્સ' નામનું વેસલ્સ ટેન્કર અદાણી પોર્ટની ટી જેટી પાસે કરોડો રૂા.ના ખર્ચે બનેલા એલ.પી.જી. ટર્મિનલ ખાતે આવી પહોંચતાં શિપના કેપ્ટન સહિતના અધિકારીઓનું અદાણી કંપનીના એક્ઝિકયુટિવ ડાયરેકટર રક્ષિતભાઇ શાહ અને સી.ઇ.ઓ. અવિનાશ રાયે ઉષ્માભર્યું સ્વાગત કરી મોમેન્ટો અર્પણ કર્યા હતા. ઇ.સ. 1999માં બનેલી આ ખાસ પ્રકારની એલ.પી.જી. (રાંધણ ગેસ) ગેસ પરિવહન કરતી સ્ટીમરની લંબાઇ 230 મીટર લાંબી છે અને તેની ગેસ સંગ્રહ કરવાની ક્ષમતા 44.469 મે. ટનની છે. મુંદરા પોર્ટ એન્ડ સેઝ દ્વારા તૈયાર કરવામાં આવેલા બે ટેન્કમાં આ આયાતી ગેસને ઠાલવવામાં આવશે. પ્રોજેકટ મેઇક ઇન ઇન્ડિયા અંતર્ગત અદાણી કંપનીએ આ પ્રોજેકટને તૈયાર કર્યો છે. કંપની નવા નવા પ્રોજેકટ પૂર્ણ કરી તેની આર્થિક તાકાતમાં વધારો કરી રહી છે. સૂત્રો જણાવે છે કે સિડયુઅલ મુજબ ટી. જેટી પાસે ઊભા કરાયેલા એલ.પી.જી. ગેસ ટર્મિનલનું કામ પૂરું થતા બે વર્ષ લાગે જ્યારે કંપનીએ એજ કામ 10 મહિનામાં પૂરું કર્યું છે. ભવિષ્યની વાત કરતાં સૂત્રો એમ જણાવે છે કે ગુજરાતમાં ઘેર ઘેર રાંધણ ગેસની પાઇપ લાઇન નાખી રાંધણગેસ પૂરો પાડવાના મહત્વાકાંક્ષી પ્રોજેકટની આ શરૂઆત છે. જોકે અત્યારે આયાતી ગેસને બંદર સ્થિત સંગ્રહ કરીને રસ્તા મારફતે ગંતવ્ય સ્થાને પહોંચતો કરવામાં આવશે. જો કે રાજ્યના સૌથી મોટા ગેસ ટર્મિનલની શરૂઆત મુંદરા મધ્યે થઇ ચૂકી છે અને ગઇકાલે આવેલી પ્રથમ સ્ટીમર બાદ હવેથી નિયમિત ગેસ લઇ આવનારી સ્ટીમરનો ટ્રાફિક સતત રહેશે. પ્રથમ સ્ટીમરના સ્વાગત સમયે અદાણી પોર્ટ એન્ડ સેઝના અધિકારીઓ, કર્મચારીઓ ઉપસ્થિત રહ્યા હતા. 

© 2020 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer