હમીરસરમાં ફેલાતા લીલના સામ્રાજ્યને અટકાવો

હમીરસરમાં ફેલાતા લીલના સામ્રાજ્યને અટકાવો
ભુજ, તા. 16 : લાંબા સમય બાદ હમીરસર તળાવમાં પાણી ભરાયેલું જોતાં ભુજવાસીઓના હૈયાં પુલકિત થઇ ઊઠયાં પરંતુ છેલ્લા કેટલાક દિવસોથી તળાવના કિનારાથી લીલનો ભાગ વધતો જતાં તેને અટકાવી સફાઇ થાય અને હમીરસરનું પાણી સ્વચ્છ   રહે તથા સુંદરતા જળવાઇ રહે તેવા પ્રયત્નો કરવા લોકમાંગ ઊઠી છે. કચ્છપર કુદરતી મહેર થઇ અને મોટા ભાગના તાલુકાઓના સીમાડા સારા વરસાદથી પલળી લીલી ચાદર ઓઢી ખીલી ઊઠયા. સીમાડા, વાડી-ખેતરમાં લીલોતરી લોકોની આંખ ઠારી રહી છે પરંતુ હમીરસર તળાવમાં જામતી લીલની લીલાશ લોકોને દુ:ખી કરી રહી છે. જો કે, અનેક જાગૃતોએ આ અંગે ધ્યાન દોરવા છતાં હજુ સુધી સુધરાઇએ કોઇ પગલાં ભર્યા નથી અને દિવસો-દિવસ ગંદકી વધતી જવા સાથે તળાવનું પાણી દૂષિત થઇ રહ્યું છે. આ અંગે સહજીવનના જૈવિક વૈવિધ્યના પ્રોગામ ડિરેકટર પંકજભાઇ જોષીનો સંપર્ક સાધતાં તેમણે જણાવ્યું કે, કુદરતી સમતોલન માટે ચક્ર છે કે, એક વસ્તુ કે, જીવને બીજો જીવ ખાય જેથી જીવનચક્ર ચાલ્યા રાખે. ત્યારે અમુક જીવજંતુ લીલ ખાતા હોય છે જેથી તે અંગે યોગ્ય તપાસ કરી તેવા જીવ તળાવમાં પાછા આવી જાય તો આપોઆપ લીલ દૂર થઇ જશે. તો, હમીરસર જળસ્રોત સ્નેહ સંવર્ધન સમિતિના યોગેશ જાડેજાએ જણાવ્યું કે, જેમ દરિયામાં ડ્રાજિંગ થતું હોય છે તેમ જ તળાવમાં કરવાથી લીલ દૂર થઇ શકે. અત્રે ઉલ્લેખનીય છે કે, ભૂતકાળમાં પણ હમીરસર તળાવમાં લીલનું સામ્રાજ્ય ફેલાતું હતું જેને અટકાવવા ફિશર ડિપાર્ટમેન્ટની સલાહ સાથે માછલીઓ નખાઇ હતી અને પ્રશ્ન હલ થયો હતો ત્યારે આ અંગે સુધરાઇના હાલના સત્તાધીશો વિચારે અને યોગ્ય નિરાકરણ લાવી હમીરસરના જળને સ્વચ્છ બનાવે તેવી માંગ જાગૃત શહેરીજનો કરી રહ્યા છે.  

© 2020 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer